આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯
પોલ ડ્યુસનની મુલાકાત.


રહેલું છે. તે એક એવું રત્ન છે કે તેનો શાક્ષાત્કાર કરનારને તે રાજાઓનો રાજા બનાવી દે છે અને આખા જગતની બાદશાહી પણ તેને એ સત્ય આગળ કશી વિસાતની લાગતી નથી.” છેવટે સ્વામીજીએ કહ્યું કે, “હું આમાં મારો પોતાનો એક પણ શબ્દ કે વિચાર દર્શાવતો નથી, સઘળા વિચારો અને બીજી દરેકે દરેક બાબત તમે મારામાં જે કંઈ જુઓ છો તે સર્વે અને તમારે માટે કે જગતને માટે હું જે કંઈ કરી શકું છું તે સઘળું મારા ગુરૂમાંથીજ મને પ્રાપ્ત થયેલું છે. મારા વ્હાલા ભારતવર્ષમાં મારા એ પરમ પૂજ્ય ગુરૂ વિદ્યમાન હતા, ત્યારે વારંવાર તેમનું પવિત્ર અંતઃકરણ સમાધિમાં ડૂબી જઈ ધર્મનાં જે અગાધ સત્યોને જોતું અને અનુભવતું તે સત્યોને તેમણે ઘણીજ ઉદારતાથી જગતમાં ફેલાવ્યાં છે. કેવળ નિઃસ્વાર્થ જીવન તેઓ ગાળી રહ્યા હતા. મારામાં તમે જે કંઈ જુઓ છો તે તેમને લીધેજ છે. મારા શબ્દોમાં તમને જે કંઈ સત્ય, હિત, પ્રિય અને નિત્ય લાગે છે તે સઘળું તેમનાજ મુખમાંથી, હૃદયમાંથી અને આત્મામાંથી નિકળેલું છે. શ્રીરામકૃષ્ણજ મારા ધાર્મિક જીવન, લાગણીઓ અને પ્રવૃત્તિઓનો મૂળ ઝરો છે. મારા ગુરૂના જીવનની જરાક પણ ઝાંખી તમને કરાવી શકું તો મારા જીવનને હું ધન્ય ગણું !”

સ્વામીજીને ચારે તરફથી માન મળતું પણ પોતાની યશસ્વી કારકીર્દિમાં તે સર્વને જણાવતા કે તે પોતે તો શ્રીરામકૃષ્ણ પરમહંસના એક નમ્ર દાસજ છે, અને સઘળું માન શ્રી રામકૃષ્ણનેજ ઘટે છે. બેશક ખરો શિષ્યજ ખરો ગુરૂ બની શકશે.

લંડનમાં સ્વામીજી “હિંદુ યોગી” તરીકે ઓળખાતા હતા. તેમનો બોધ સાંભળ્યા પછી ઘણાના મનમાં એમ જ ભાન થઈ જતું કે, “જેની શોધમાં આપણે રખડ્યા છીએ તે મનુષ્ય આજ છે,