આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સઘળી પ્રજાઓનો ઉપદેશક બની રહેશે.”

“પૉલ ડ્યુસન અને તેમનાં પત્નીએ અમારી બરદાશ કરવામાં કચાસ રાખી નહિ. ભારતવર્ષની તેમણે મુલાકાત લીધી હતી અને તે મુલાકાતનું સવિસ્તર વર્ણન પ્રોફેસર આપવા લાગ્યા. તે વર્ણન ઘણુંજ મોહક અને આનંદદાયક હતું. પ્રાચીન ભારતવર્ષ–ઐતિહાસિક ભારતવર્ષને તેના રસપૂર્ણ ઐતિહાસિક બનાવો સાથે તે વર્ણવવા લાગ્યા. ભારતવર્ષ તેમને મન ઐતિહાસીક બનાવોથી ભરપુર લાગતું હતું. પવિત્ર જાન્હવી, જેના પુણ્યોદકમાં હજારો સ્ત્રી પુરૂષો સ્નાન કરી રહેલાં છે, જેના કિનારા ઉપર આવેલાં શહેરોમાં અસંખ્ય દેવાલયો, મંદિરો અને શિવાલયો પ્રાચીન ભારતવર્ષના મહિમા દર્શાવી રહેલાં છે, તેના વિષે તે હવે વાત કરવા લાગ્યા. ભારતવર્ષને સર્વ ધર્મની જનની તરીકે તેઓ દર્શાવવા લાગ્યા. બ્રહ્મ, બુદ્ધ અને મહંમદના વિશ્વવ્યાપક સિધ્ધાંતોનું નિવાસસ્થાન તેને કહેવા લાગ્યા. એ સિવાય પણ બીજું ઘણુંએ તેમણે અમને કહ્યું. ભારતવર્ષ તરફ તેમની પ્રીતિ કેવી હતી તેને અમને હવેજ પૂર્ણ અનુભવ થયો.”

પૉલ ડ્યુસન એક મોટા પંડિત હતા. સંસ્કૃતવિદ્યામાં તે પ્રવિણ હતા. સંસ્કૃત સાહિત્ય અને તત્વજ્ઞાન તરફ તેમનું ચિત્ત નાનપણથી દોરાઈ રહ્યું હતું. સ્વામી વિવેકાનંદ ડ્યુસનના અભ્યાસ વિષે લખે છે કે; “એ જર્મન વિદ્યાર્થીના મનમાં સંસ્કૃત વિદ્યા ગ્રહણ કરવાને માટે ઘણીજ ઉત્કંઠા થઈ રહી. પાશ્ચાત્ય મનુષ્યોને માટે તે વિદ્યા ગ્રહણ કરવાનું કાર્ય ઘણુંજ કઠિન હતું, પણ ઘણા પંડિતોની માફક સખત મહેનત તેમણે પણ કરી; ઘણાં સંકટો તેમણે વેઠ્યાં અને અત્યંત ખંતથી એક વીર પુરૂષની માફક તે પોતાના કાર્યમાં આખરે જય મેળવી રહ્યા. હવે આખું યુરોપ તો શું, પણ આખું હિંદ પણ તેમને ઓળખે છે. મેં અમેરિકા અને યૂરોપમાં