આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

પધારવાના છે અને તમને જોઈને જ હું મારા પુત્રને કહેતી હતી કે “જો આ પેલા સ્વામી વિવેકાનંદ !” હું જવાની ઉતાવળમાં હતો તેથી મેં તે સ્ત્રીને કહ્યું નહિ કે હું સ્વામી વિવેકાનંદ નથી. તે સ્ત્રીએ હજી તો તેમને જોયા પણ નહોતા અને તે પહેલાંજ વિવેકાનંદને માટે તે એટલો બધો પૂજ્યભાવ ધરી રહી હતી, એ જોઇને મને ઘણીજ નવાઈ લાગી. આ સુંદર બનાવથી હું ઘણોજ ગર્વ ધરવા લાગ્યો. મેં મારે માથે ભગવો ફેંટો બાંધ્યો હતો, તેથી કરીને તે બાઈએ મને વિવેકાનંદ ધાર્યો હતો ! ધન્ય છે, એ ભગવા ફેંટાને ! આ બનાવ સિવાય પણ ઘણા સુશિક્ષિત અંગ્રેજોને હિંદ તરફ માનની લાગણી દર્શાવતા અને તેનાં આધ્યાત્મિક સત્યોને ભાવથી શ્રવણ કરતા મેં જોયા છે.”

સ્વામી વિવેકાનંદના જવાથી ઘણા અંગ્રેજોને જીવન નિરસ લાગતું હતું. ઘણા ખેદમાં ગરક થઈ ગયા હતા, પણ પોતાના મનના ઉભરા પત્રદ્વારા કહાડતા હતા, ઘણા વિવેકાનંદ અને તેમનાં કાર્યનાં વર્તમાનપત્રોમાં વખાણ કરીને સંતોષ પામતા હતા. સ્વામીજીના અનેક શિષ્યો અને મિત્રોનું જીવન તેમના વગર અસ્વસ્થ બની રહ્યું હતું; કારણકે સ્વામીજી તે સર્વેનું ચેતન—આત્મા હતા. તેમના ગયા પછી તેઓએ જે શોકાદ્‌ગારો કહાડ્યા છે તે સર્વેનું વર્ણન આપવું અશક્ય હોવાથી તેમાંના કેટલાક ઉપર આપવામાં આવ્યા છે. તેનાથીજ સંતોષ પામી વિરમીશું.

પ્રકરણ ૪ર મું – પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં.

લંડનથી સ્ટીમર ઉપડી ! સ્વામીજીના મન ઉપરથી એક ભારે બોજો ઉપડી ગયો હોય તેમ હવે તેમને ભાસવા લાગ્યું, કેમકે લંડનમાં