આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બધા ભારે ખર્ચને માટે સ્વામીજી તમે શું ધારો છો ! દેવાલયની શોભા વધારવાને આટલો બધો ખર્ચ કરવો એ કેવું ! હજારો ભૂખે મરતાં મનુષ્યોને તેમાંથી ખાવાનું મળે.” સ્વામીજીએ એકદમ જવાબ આપ્યો: “ઇશ્વરને માટે જેટલો ખર્ચ કરીએ તેટલો ઓછોજ છે. આ બધો ભપકો ક્રાઇસ્ટ જેવા મહાપુરૂષના ચારિત્રની ભવ્યતા દર્શાવે છે. તેનાથી લોકો ક્રાઈસ્ટના ચારિત્ર્યની મહત્તા સમજે છે. ક્રાઈસ્ટની પાસે એક પાઈ પણ નહોતી, પણ તેણે પોતાના ચારિત્રના પ્રભાવથી માનવજાતિને આવી ભવ્ય કળાનું ભાન કરાવેલું છે. છતાં આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે બાહ્ય વસ્તુઓ જેટલે અંશે માનસિક પવિત્રતા ઉત્પન્ન કરે છે તેટલે અંશેજ તે અગત્યની છે; જીવનનું સૌંદર્ય જો તે દર્શાવી શકે નહિ તો તેમનો નાશજ કરો.” વળી નાતાલના દિવસોમાં તે એક દેવાલયમાં ગયા હતા. તે વખતે ઘણા ઠાઠથી ધાર્મિક ક્રિયા ત્યાં કરવામાં આવતી જોઇને સ્વામીજી બોલી ઉઠ્યા: “શા માટે આ બધો ઠાઠ અને ડોળ કરવોજ જોઇએ જે દેવાલય આ પ્રમાણે ઠાઠ કરે તે જિસસ ક્રાઈસ્ટનું અનુયાયી છે એમ કેમ કહેવાય ! જીસસ ક્રાઈસ્ટ પાસે તો એક પાઈ પણ નહોતી અને પોતાનું માથું મૂકવા જેટલી જગ્યા પણ નહોતી.” ખરેખર, ધાર્મિક ક્રિયાઓનો બાહ્ય ભપકો અને તેમનું આંતર્ રહસ્ય એ બંને વચ્ચે સ્વામીજી મોટો ભેદ જોતા. સેંટ પીટરના દેવાલયમાં જે ભપકો તેમણે જોયો તેની અને વેદાન્તની સંન્યાસ ભાવનાની તુલના તે કરતા. વેદાન્તીની ત્યાગવૃત્તિ, એકાન્તવાસ અને આત્મદર્શન એ સર્વે પરબ્રહ્મની પ્રાપ્તિમાં ઉપકારક છે એમ તે માનતા. સ્વામી વિવેકાનંદે જો સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહ્યો હોત નહિ અથવા ખ્રિસ્તી ધર્મગુરૂઓની માફક ભપકાદાર વસ્ત્રોને ધારણ કરવાનો શોખ રાખ્યો હોત તો તેઓ આવી રીતે જગતના મહાન ઉપદેશક બની શકત નહિ.