આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫
પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં.


તમારી શ્રદ્ધા ! ક્યાં છે તમારું સ્વદેશાભિમાન ! તમારી દૃષ્ટિ આગળજ ખ્રિસ્તીઓ તમારા ધર્મને નિંદે છે, તોપણ તમારામાંના કેટલાનું લોહી તેથી તપે છે !”

હવે આઘેથી સિલોનનો કિનારો જણાવા લાગ્યો. નાળીએરીનાં ઝાડથી છવાયલું કોલંબો બંદર દૃષ્ટિએ પડવા લાગ્યું. તેને જોઈને સ્વામીજીને જે આનંદ થયો, તેવો આનંદ સ્ટીમરમાં બીજા કોઈને ભાગ્યેજ થયો હશે. સ્વામીજીના હર્ષનો પાર રહ્યો નહિ. બંદર ઉપર હજારો માણસો એકઠાં થયાં હતાં. હિંદમાં પાછા સ્વામીજી આવે છે એવી ખબર આખા હિંદુસ્તાનમાં પ્રસરી રહી હતી. હિંદુઓ મહાન સંન્યાસીને માન આપવાને સર્વત્ર તૈયારી કરી રહ્યા હતા; કારણકે સ્વામીજી હિંદુ ધર્મના રક્ષક હતા, એટલુંજ નહિ પણ તેમના પ્રયાસથીજ ભારતવર્ષ પાશ્ચાત્યની દ્રષ્ટિમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું હતું.

ખ્રિસ્તી મિશનરીઓએ પાશ્ચાત્યોને એવુંજ અત્યાર સુધી સમજાવ્યા કર્યું હતું કે હિંદ અજ્ઞાન અને દુષ્ટ રિવાજોથી ભરપુર દેશ છે. મિશનરીઓના આવા અવળા બોલનાં જે અનેક પડ તેમના હૃદયપર ચ્હડી ગયાં હતાં તે સઘળાં ભૂસી નાંખીને ભારતવર્ષનો સત્ય ખ્યાલ તેમના મનમાં ઠસાવવો, એટલું જ નહિ પણ હિંદનું પ્રાચીન ગૌરવ સમજાવી ભારતવર્ષ સકળ માનવજાતિનો ગુરૂ થવાનેજ સરજાયું છે એમ તેમની ખાત્રી કરી આપવી; એ કાર્ય કંઈ નાનું સુનું નહોતું. તે મહત્‌ કાર્ય સ્વામીજીએ ઘણીજ હોશિઆરીથી બજાવ્યું હતું. એવા એક અપ્રતિમ કર્મવીર અને દેશભક્તને સમસ્ત ભારત માન આપી રહે એમાં આશ્ચર્ય શું ?

હિંદમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન, ભારતવર્ષના અર્વાચીન ઇતિહાસમાં એક અતિ અગત્યનો અને ભવ્ય બનાવ હતો; કારણકે અર્વાચીન ભારતે કોઈ પણ વ્યક્તિને કદીએ માન આપ્યું