આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૯
કોલંબોમાં આવકાર.


ધારણ કરેલાં હતાં. તેમની સાથે સ્વામી નિરંજનાનંદ અને બીજા કેટલાક પુરૂષો હતા. સ્ટીમ લોંન્ચમાં બેસીને આવતા વિવેકાનંદને જોઈને પ્રેક્ષકોનાં હૃદય હર્ષથી ઉછળી રહ્યાં. તેમના મુખમાંથી ખુશાલીના પોકારો નીકળી રહ્યા. સ્વામીજીનાં દર્શનથી લોકોના મનમાં કેવી લાગણીઓ ઉભરાઈ રહી હતી તેનું વર્ણન આપવું અશક્ય છે. ખુશાલીના પોકારો અને તાળીઓના ગડગડાટમાં સમુદ્રના મોજાંનો ધ્વનિ પણ ઢંકાઈ ગયો ! ધી ઓનરેબલ પી. કુમારસ્વામી જરાક આગળ ગયા. તેમની પાછળ તેમના ભાઈ પણ ગયા. તેઓએ સ્વામીજીને આવકાર આપ્યો અને એક સુંદર હાર તેમને પહેરાવ્યો. પછી તો લોકોની ભીડ બહુજ વધી ગઈ. ગમે તેમ કરે પણ લોકો કબજામાંજ રહે નહિ. કેટલાકની ટોપીઓ તો કેટલાકના રૂમાલ ખોવાયા. સ્વામીજીને એક સુંદર ઘોડાગાડીમાં બેસાડીને બાર્નીસ સ્ટ્રીટમાં લઈ જવામાં આવ્યા. ત્યાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. બાર્નીસ સ્ટ્રીટને નાકે સ્વામીજી ગાડીમાંથી ઉતરી પડ્યા. ત્યાંથી તેમનો વરઘોડો કહાડીને લઈ જવામાં આવ્યા. હિંદુઓ પોતાના ધર્મગુરૂને ધજાપતાકા અને છત્ર ધરીને માન આપે છે. સ્વામીજીને માટે પણ તેમજ કરવામાં આવ્યું. તેમના માર્ગમાં શ્વેત વસ્ત્રો પાથરવામાં આવ્યાં. એક સુંદર બેન્ડ સારા સારા રાગો વગાડી રહ્યું. તે મંડપમાં આવ્યા પછી સ્વામીજીને એક બીજા મંડપમાં લઈ જવામાં આવ્યા. તે મંડપ પાએક માઇલ દૂર હતો. તે મંડપમાં જવાના રસ્તાની બંને બાજુએ સુંદર કમાનો ઉભી કરેલી નજરે પડતી હતી. તે મંડપની પાસેના એક બંગલામાં સ્વામીજીનો ઉતારો આપવાનો હતો. બીજા મંડપના દ્વારમાં સ્વામીજીએ પગ મૂક્યો કે તરતજ મંડપના દ્વારમાં લટકતું એક સુંદર કમળ પોતાની પાંખડીઓ તેમના મસ્તક ઉપર ખુલ્લી કરી રહ્યું હતું તેમાંથી એક પક્ષી બહાર આવ્યું. તે આમતેમ ફરવા લાગ્યું. છતાં ત્યાં ભરાયેલા સઘળા