આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૫
કોલંબોમાં આવકાર.


સ્વામીજીને ભેટ કરવાને માર્ગમાં ઉભા થઈ રહ્યા હતા. કેટલાક પુષ્પની માળાઓ સ્વામીજીના ગળામાં પહેરાવતા અને કેટલાક ચંદન, પુષ્પ વગેરેથી તેમનું પૂજન કરતા. સ્વામીજી શિવાલયમાં પેઠા એટલે તેમને “હર હર મહાદેવ” ના જયઘોષથી વધાવી લેવામાં આવ્યા.

સોમવારે સ્વામીજી રા. રા. ચીલીઆ નામના એક સદ્‌ગૃહસ્થને બંગલે પધાર્યા. રા. રા. ચીલીઆનો બંગલો ખાસ કરીને શણગારવામાં આવ્યો હતો. સ્વામીજી ત્યાં પધારવાના છે એમ જાણીને અસંખ્ય મનુષ્યો આગળથી તે બંગલે ગયા હતા. સ્વામીજીને ત્યાં આવતા જોયા એટલે તેઓ ખુશાલીના પોકારો કરવા લાગ્યા. જેમ જેમ સ્વામીજી પાસે આવતા ગયા તેમ તેમ તે પોકારો વધતા ગયા. સ્વામીજી બંગલામાં આવ્યા એટલે હાર અને પુષ્પોનો વરસાદ તેમના ઉપર વરસી રહ્યો. એક ખાસ બનાવેલી બેઠક ઉપર સ્વામીજી બેઠા. પછીથી પવિત્ર ગંગાજળ તેમના ઉપર છાંટવામાં આવ્યું. સ્વામીજીએ સર્વેને જરા જરા પવિત્ર ભસ્મ પ્રસાદ તરીકે આપી. અત્યંત ખુશીથી લોકોએ એ પવિત્ર ભસ્મનો સ્વીકાર કર્યો. પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસની સુંદર છબી સામે ભીંત ઉપર ટાંગેલી સ્વામીજીના જોવામાં આવી. એકદમ તે પોતાના આસન ઉપરથી ઉઠ્યા અને તે છબી પાસે જઈને તેને પૂજ્યભાવથી પ્રણામ કર્યા. રા. રા. ચીલીઆનો બંગલો સાધુ સંતોને માટેજ બંધાવેલો છે એમ જાણીને સ્વામીજીએ ઘણોજ સંતોષ દર્શાવ્યો. છેવટે કેટલાંક ભજનો ગાવામાં આવ્યાં અને ત્યાંનું કાર્ય પુરૂં થયું.

તેજ દિવસે સ્વામીજીએ સાર્વજનીક હૉલમાં “વેદાન્ત” ઉપર ભાષણ આપ્યું. એ ભાષણ સાંભળવાને કેટલાક હિંદુઓ યૂરોપીયન પોશાક પહેરીને આવેલા હતા. તેમને આ ભાષણ દરમ્યાન સ્વામીજીએ ખૂબ ઠપકો આપ્યો હતો. સ્વામીજી કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે પણ