આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જેમનું વદન સ્વામીજીના મુખને તદ્દન મળતું હતું તેમણે પચીસ વર્ષની ભર યુવાવસ્થામાં સંસારનો ત્યાગ કર્યો હતો. તેમનું નામ દુર્ગાચરણદત્ત હતું. તેઓ ફારસી અને સંસ્કૃતમાં પારંગત હતા. જગતનાં ધન વૈભવ સંપાદન કરવાની પુષ્કળ યોગ્યતા ધરાવવા છતાં તેની અસારતા અને કુટીલતા તેમના મનમાં વસી રહી હતી. ધર્મ અને નીતિના ઉચ્ચ સિદ્ધાંતો તેઓ પુરેપુરા સમજતા અને ઇશ્વર એકલોજ તેમને સત્ય, સુખરૂપ અને પ્રાપ્ત કરવા યોગ્ય લાગ્યો અને એ વિચાર તેમના મનમાં એવો પ્રબળ થઈ ગયો કે તે કોઈ રીતે રોકી શકાયો નહિ ! હિંદુશાસ્ત્રો કહે છે કે સંસારમાં પુત્રની પ્રાપ્તિ થયા પછી મનુષ્ય પિતૃરૂણથી મુક્ત થાય છે અને સ્ત્રી જાયા-માતા બને છે; માટે તે પછી પુરૂષે વિષયી ન રહેતાં નિર્વિષયી પદને પ્રાપ્ત કરવા માટે વાનપ્રસ્થ થવું. દુર્ગાચરણ સ્ત્રી, પુત્ર, સંસાર સુખ-સર્વસ્વનો દ્રઢ ભાવે ત્યાગ કરી જંગલમાં ચાલતા થયા !

તેમનાં સ્ત્રી અને પુત્રની સંભાળ સગાં વહાલાંઓએ લીધી. તેમની સાધ્વી આર્ય પત્ની સઘળું સમજી ગઈ અને પતિના આ તપાચરણને લીધે તેમના તરફ વધારે પૂજ્યભાવ રાખવા લાગી. આર્ય સંસારની રચના ગુહ્ય તત્ત્વોને આધારે રચાયેલી છે. તેનું બંધારણ સત્ય સિદ્ધાંતોના પાયા ઉપર બંધાયેલું છે. હિંદુ સંસારમાં ધાર્મિક સત્યોનો આવિર્ભાવ છે. તેનું લક્ષ્યબિંદુ પરમેશ્વર છે. પતિપત્ની આ ક્ષેત્રમાં એક બીજાને ઉચ્ચ કોટિએ લાવવાના સાધનરૂપ બની શકે છે. આથીજ પતિના યા અન્ય સંબંધીના સંસાર ત્યાગને તેની સ્ત્રી અને અન્ય કુટુંબીઓ પોતાને ગમે તેટલું કષ્ટ વેઠવું પડે તોપણ ઉંડી ધર્મ બુદ્ધિથી અહોભાગ્ય માનીને સ્વીકારે છે અને તેથી પોતાના કુળને ગૌરવ મળેલું સમજે છે. જે આર્ય સ્ત્રી પતિનું વિદેશગમન પણ વેઠી શકતી નથી, તે આવા સ્તુત્ય હેતુથી થએલા સદાકાળના વિયોગને