આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૯
કોલંબોમાં આવકાર.


અને સઘળાં સંકટો સહન કરવાનું તેમને શિખવો. પ્રથમ તેમને આત્માનો મહિમા સમજાવો. માત્ર વેદાન્તદ્વારાજ એ મહિમા તમને મળી શકશે. પ્રેમ અને ભક્તિના વિચારો તેમજ અન્ય ધર્મોમાં જે વિચારો છે તે પણ તેમાં છે; પણ તેનો આત્મા સંબંધી વિચાર જીવનનો અત્યંત પોષક છે. તે વિચાર ઘણોજ અલૌકિક છે. વેદાન્તમાં–માત્ર વેદાન્તમાંજ, અખિલ વિશ્વમાં મોટો ફેરફાર કરી શકે એવો આ ભવ્ય વિચાર રહેલો છે. તે વિચાર ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનની એકવાક્યતા પણ સાધી શકશે.”

વેદાન્ત ઉપરનું ભાષણ સમાપ્ત કરતે કરતે સ્વામીજી હિંદની પ્રાચીન સંસ્થાઓની ઉપયોગિતા વિષે બોધ આપવા લાગ્યા. તેમણે કહ્યું કે એ પ્રાચીન સંસ્થાઓ આપણને પ્રજા તરીકે જાળવી રાખવાને ઘણી જરૂરની છે. જ્યારે એ જરૂર મટી જશે ત્યારે એ સંસ્થાઓ એમની મેળેજ નષ્ટ થઈ જશે. તેમણે લોકોને બોધ આપ્યો કે જે પાશ્ચાત્ય પ્રજાઓએ હજી પોતાની સમાજોનીજ સ્થિરતા પ્રાપ્ત કરી નથી તે પ્રજાઓનું કંઈ પણ કહેવું સાંભળશો નહિ. સ્વામીજીએ કહ્યું કે “એક આજકાલનું બાળક, જે પરમ દિવસે તો મરી જાય તેવી સ્થિતિમાં છે તે મારી પાસે આવીને મને મારી સઘળી યોજનાઓ ફેરવી નાખવાનું કહે અને તેના કહ્યા પ્રમાણે જો હું મારી યોજનાઓને ફેરવી નાંખું તો મારા જેવો મૂર્ખ બીજો કોણ ? આવી બાલકના જેવીજ સલાહ જુદા જુદા દેશોમાંથી આપણને મળતી રહે છે. તેમને હિંમતથી કહેજો કે, “તમે તમારી સમાજોનેજ એક વાર સ્થિર બનાવો અને પછીથી અમે તમારું કહેવું સાંભળીશું. તમે એક વિચારને બે દિવસ પણ વળગી રહેતા નથી, તમે માંહ્ય માંહ્ય લડો છો અને નિષ્ફળ નિવડો છો. વર્ષારૂતુમાં પતંગીયાં જન્મે છે અને પાંચ મિનિટમાં મરી જાય છે, તેવી જ તમારી સ્થિતિ છે. તમે પરપોટાની