આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૭
મદ્રાસમાં અપૂર્વ માન.


તૈયારીઓ થવા લાગી. મદ્રાસ શહેરના સઘળા રસ્તાઓને અને મહોલ્લાઓને શણગારવામાં આવ્યા અને રસ્તામાં કમાનોવાળા સત્તર દરવાજા ઉભા કરવામાં આવ્યા. “પૂજ્ય વિવેકાનંદ ઘણું જીવો.” “ભારતવર્ષ વિવેકાનંદને આવકાર આપે છે.” “શાંતિપ્રસારક દેવદૂત, તમારો જય હો !” “શ્રી રામકૃષ્ણ પરમહંસના કીર્તિવંત શિષ્ય.” “एकं सत् विप्रा बहुधा वदन्ति” વગેરે શબ્દો તે કમાનો ઉપર લખવામાં આવ્યા હતા. સ્વામીજી આવ્યા તે દિવસે લોકોનું એક મોટું ટોળું તેમને સામા લેવાને સ્ટેશન ઉપર ગયું. જસ્ટીસ સુબ્રહ્મણ્ય આયર અને તેમના જેવા બીજા પુરૂષો પણ તેમાં હતા.

ગાડી પાસે આવી પહોંચતાંજ લોકોના હર્ષનો પાર રહ્યો નહિ, સ્વામીજીને પુષ્પહાર પહેરાવ્યા પછી સર્વે એક સરઘસના આકારમાં ગોઠવાઈ ગયા અને સ્વામીજીને ગાડીમાં બેસાડીને શહેરમાં લઈ જવામાં આવ્યા. સરઘસ પેલી સત્તર કમાનવાળા દરવાજાઓમાં થઇને પસાર થયું. સરઘસમાં લગભગ દસ હજાર માણસો ભાગ લઈ રહ્યાં હતાં. આખે રસ્તે “હર હર મહાદેવ” તેમજ “જય રામકૃષ્ણ, વિવેકાનંદ” ના પોકારો થયા કરતા હતા. થોડેક રસ્તે ગયા પછી સ્વામીજીની ગાડીના ઘોડા છોડી નાંખવામાં આવ્યા અને લોકો તેને ખેંચીને લઈ ગયા. કેસલ કર્નાનમાં તેમને ઉતારો આપવામાં આવ્યો.

મદ્રાસ સ્વાગતમંડળ, વિદ્વત વૈદિક સભા, સંસાર સુધારા સમાજ, ખેત્રીના મહારાજા, તેમજ બીજાં અનેક મંડળ તરફથી સંસ્કૃત, ઈંગ્લીશ, તામીલ અને તેલુગુ ભાષામાં લખાયેલાં વીસેક માનપત્રો વંચાયા બાદ સ્વામીજીને ભેટ કરવામાં આવ્યાં. સઘળાં માનપત્રોનો જવાબ મકાનમાં આપવો અશક્ય હતો; કારણ કે લગભગ દસ હજાર માણસો ત્યાં એકઠાં થયાં હતાં અને મકાનમાં ઉભા રહેવાની જગ્યા પણ નહોતી, એથી કરીને સ્વામીજી મકાનની બહાર આવ્યા