આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને એક મોટા મેદાનમાં એક ગાડી ઉપર ચડી હાંકનારની તે જગ્યાએ ઉભા રહીને એક ટુંકો જવાબ આપ્યો અને માણસોની પડાપડી અને અવ્યવસ્થાને લીધે વધારે કહેવાનું બીજા કોઈ પ્રસંગને માટે મુલતવી રાખ્યું. એ વખતનો દેખાવ ઘણોજ રમણીય હતો, કારણ કે ગાડી ઉપર ઉભેલા સ્વામીજીને જોઈ રથમાં ઉભા રહી અર્જુનને બોધ કરી રહેલા શ્રીકૃષ્ણ સર્વને યાદ આવતા હતા.

સ્વામીજીના આગમનના સંબંધમાં “મદ્રાસ ટાઈમ્સ પત્રે” નીચે પ્રમાણે લખ્યું હતું:—

“છેલ્લાં કેટલાંક અઠવાડીયાંથી મદ્રાસના લોકો ઘણીજ આતુરતાથી સ્વામી વિવેકાનંદના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મદ્રાસમાં તેમનું નામ દરેક મનુષ્યના મુખમાંથી નીકળી રહ્યું છે. શાળા, પાઠશાળા, કોલેજ, હાઈકોર્ટ અને મદ્રાસના મહોલ્લાઓ તથા બજારોમાં પણ હજારો મનુષ્યો “સ્વામી વિવેકાનંદ ક્યારે આવશે” એમ પૂછતા નજરે આવે છે. મદ્રાસમાં પરિક્ષા આપવાને આવેલા હજારો વિદ્યાર્થી આ પરિક્ષા થઈ જવા છતાં સ્વામીજીનાં દર્શન કરવાને રોકાયલા જોવામાં આવે છે. સ્વામીજીને આવકાર આપવાને સર્વત્ર ભારે તૈયારીઓ ચાલી રહી છે. ઇ. ઇ.”

મદ્રાસના બીજા એક મુખ્ય વર્તમાનપત્ર લખ્યું હતું કે:— “આવો સઘળા લોકોની સંમતિવાળો અને ઉત્સાહભર્યો આવકાર કોઈ હિંદુ કે યૂરોપિયન સદ્‌ગૃહસ્થને કે રાજાને મદ્રાસમાં અત્યાર અગાઉ અપાયલો મદ્રાસના લોકોએ ઘણાં વર્ષથી જોયો નથી. સ્વામી વિવેકાનંદને જે અપૂર્વ ભાવથી મદ્રાસના લોકોએ વધાવી લીધા હતા તેના કરતાં વધારે પ્રેમદર્શક, વધારે હૃદયગ્રાહી અને વધારે શુભ ચિન્હ સુચક આવકાર કોઈને પણ મળ્યો હોય એમ મદ્રાસના વૃધ્ધમાં વૃદ્ધ માણસોને પણ યાદ આવતું નથી. અમે ખાત્રીથી કહીએ