આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૭
મદ્રાસમાં અપૂર્વ માન.

 “મુનિ વાલ્મીકીએ શ્રીરામનું અનુપમ ચરિત્ર આપણી આગળ આદર્શરૂપે મૂકેલું છે. શ્રીરામ સત્ય, નીતિ અને શૌર્યની સાક્ષાત્‌ મૂર્તિ હતા. તે નમુનેદાર પુત્ર હતા. પતિ તરિકે, પિતા તરિકે અને રાજા તરિકે પણ તેમનું વર્તન સર્વોપરિ હતું. મહાન કવિ વાલ્મીકીએ શ્રીરામનું ચરિત્ર જે સાદી, શુદ્ધ અને સુંદર ભાષામાં વર્ણવેલું છે તેના કરતાં વધારે સરળ કે સુંદર ભાષા બીજી કોઈ હોઈ શકેજ નહિ. અને સીતાજી વિષે તો શું કહેવું ? ભૂતકાળના સઘળા સાહિત્યને ઉથલાવી નાંખો, પણ બીજી “સીતા” તમને જડશેજ નહિ. ભવિષ્યકાળ માટે પણ હું તમને ખાત્રીથી કહું છું કે એવી બીજી “સીતા” તમને મળવાની નથી. સીતાજીનાં અપૂર્વ ચારિત્ર્યનું જે વર્ણન અપાયલું છે તેવું બીજું હવે તમને મળવાનું નથી.”

ભગવાન શ્રીકૃષ્ણ ! સમસ્ત ભારતવર્ષનો આત્મા ! યોગીઓનું ધ્યેય ! આર્યાવર્તનો સૂર્ય ! ભારતવાસીઓનું ચેતન ! હિંદનો ઉત્સાહપ્રેરક ! વિલક્ષણ મેધાવી અને અર્જુનનો સારથિ શ્રીકૃષ્ણ ! મહાભારતના પ્રચંડ યુદ્ધ વચ્ચે પણ અત્યંત શાંતિ ધરનારા અને નિઃશસ્ત્રપણે વિહરનાર ! સંન્યાસીઓનો સંન્યાસી ! યોગીઓનો યોગી ! યોગ બળની મૂર્તિ ! સર્વ યોગોનો પારંગત ! શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો આત્મા ! તેના રહસ્યની સાક્ષાત્‌ મૂર્તિ ! એનું ચરિત્ર સમજાયા વગર ભારતવર્ષમાં આજે કેટલો બધો અનર્થ થઈ રહેલો છે ? એનો બોધ ભૂલાયાથી હિંદ અત્યારે કેવું સત્ત્વહીન, બળહીન અને ઉત્સાહીન બની રહેલું છે ! સ્વામી વિવેકાનંદે શ્રીકૃષ્ણને એક અલૌકિક સંન્યાસી તરિકે વર્ણવેલા છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર સામાન્ય બુદ્ધિથી સમજાય તેવું નથી, કેમકે અનેક ઉલટસુલટા ગુણોનો તેમનામાં વાસ હતો. સાધારણ મનુષ્યોમાં જે ગુણો એકજ સ્થાને રહી શકવા અશક્ય લાગે છે, તે ગુણો તેમનામાં પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. યોગવિદ્યા, ગ્રાહસ્થ્ય,