આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૯
મદ્રાસમાં અપૂર્વ માન.


અને બુદ્ધાવતારમાં તેમણે હૃદયની વિશાળતાને પરમાવધિએ પહોંચાડી હતી. શ્રીકૃષ્ણ અને બુદ્ધ, બંનેએ પોતાના આત્મબળથી અખિલ વિશ્વને ડોલાયમાન કરી મૂક્યું હતું. નરવીર ધનુર્ધર અર્જુન મહા સમર્થ શ્રીકૃષ્ણને પોતાના સારથિ તરિકે સ્થાપીને વિજયી થયો હતો, તેજ પ્રકારે પ્રતાપી શ્રીકૃષ્ણને ભારતવાસીઓ પોતાના જીવનરૂપી રથના સારથિ તરિકે ગ્રહણ કરીને તેમના બોધ પ્રમાણે પોતાના જીવન પ્રવાહને વહેવરાવે તો જય આપો આપજ તેમની આગળ આવીને ઉભો રહે.

આગળ ચાલતાં સ્વામીજીએ શ્રીમદ્‌ શંકરાચાર્યની મહત્તા અને તેમના કાર્યની ઉપયોગિતા સર્વેને સમજાવી. સ્વામીજીએ કહ્યું કે શ્રીશંકરાચાર્ય જગતમાં મોટામાં મોટા તત્ત્વજ્ઞાની થયેલા છે. તેમણે સ્થાપેલો અદ્વૈતવાદ એવો તો ભવ્ય અને સર્વોત્તમ છે કે આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના મજબૂતમાં મજબૂત પ્રહારો પણ તેને જરા પણ ખંડિત કરી શકતા નથી. શ્રીશંકરાચાર્યે લખેલાં પુસ્તકો અને તેમણે પ્રતિપાદન કરેલા સિદ્ધાંતો યૂરોપના મહાન વિચારકોનું પણ ધ્યાન ખેંચી રહેલા છે. તેમણે સ્થાપેલો અદ્વૈતવાદ સર્વ જ્ઞાનની અવધિ છે. વિશ્વનાં ભિન્ન ભિન્ન જ્ઞાન તે તરફ જ આવતાં જાય છે. એ અદ્વૈતવાદ રૂપી ઈમારત ચણવામાં શ્રીશંકરાચાર્યે જે અદ્ભુત શક્તિ અને બુદ્ધિ વાપર્યાં છે તેમજ તેમની બલીહારિ છે.

એ પછી શ્રીચૈતન્ય દેવની પરમ ભક્તિનો મહિમા સર્વને સમજાવી સ્વામીજીએ પોતાના પરમપૂજ્ય ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસનું જીવનરહસ્ય શ્રોતાજનોને સંભળાવ્યું. તેમણે કહ્યું કે; “શ્રીશંકરાચાર્યમાં વિશાળ બુદ્ધિ હતી અને શ્રીચૈતન્ય દેવમાં વિશાળ હૃદય હતું. એ બુદ્ધિ અને એ અદ્‌ભુત વિશાળ હૃદય, બંને જેમાં એકત્ર થયેલાં હોય એવા મહાપુરૂષનો હિંદમાં અવતાર થવાની જરૂર હતી.