આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૧
મદ્રાસમાં અપૂર્વ માન.


તેમણે વધારે ઉત્તમ ગણેલો છે. શ્રીરામકૃષ્ણના દૃષ્ટાંતથી તેમણે સાબીત કરી આપેલું છે કે, જગતનું વાસ્તવિક કલ્યાણ સાધનાર તો ધાર્મિક પુરૂષજ છે. હિંદનો ઉદય અને જય તેના ધાર્મિક વિકાસમાંજ રહેલો છે. અધ્યાત્મ બળજ સર્વ બળોમાં શ્રેષ્ઠ છે અને તે બળજ સર્વે કાર્યોને સાધવાને સમર્થ થાય છે. હિંદને જગતમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવું હોય, તેણે જો જગતના ગુરૂ બનવું હોય અને અખિલ વિશ્વને પોતાને ચરણે નમાવવું હોય, તો તેણે શ્રીરામકૃષ્ણની માફક આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. એ આધ્યાત્મિક વિકાસથીજ હૃદયની સઘળી વક્રતા નષ્ટ થશે. મનુષ્યોમાં ચિત્ત શુદ્ધિનો વાસ થશે, હિંદવાસીઓ રાગદ્વેષથી મુક્ત થઈ સત્ય, બ્રહ્મચર્ય અને આત્મભાવનું પાલન કરી રહેશે, અને જેમ શ્રીરામકૃષ્ણ પોતાના આધ્યાત્મિક બળથી અખિલ વિશ્વને આકર્ષી રહ્યા હતા તેમ હિંદવાસીઓ પોતાનાં શુભ કાર્યોથી જગતને ચકિત કરી મૂકશે. સ્વામીજીનું કહેવું કેટલું બધું સત્ય હતું તે તેમના પોતાનાજ દાખલાથી સિદ્ધ થઈ રહે છે.

સ્વામીજી જાણતા હતા કે હિંદમાં સર્વત્ર કુસંપ, દ્વેષ અને અપ્રમાણિકતા વ્યાપી રહેલાં હોવાથી તેના ઉદયને માટે ચિત્ત શુદ્ધિની જરૂર છે. સ્વામીજી આપણા પૂર્વજોનું ગૌરવ સમજાવવા સાથે આધુનિક હિંદુઓના દોષો જણાવવાનું પણ ચૂકતા નહિ. ભારતવર્ષમાં તામસિક વૃત્તિ-જડતા, અજ્ઞાનમાં સર્વે ડૂબી ગયેલા છે અને સાત્વિક વૃત્તિનો તો મિથ્યા ડોળજ જોવામાં આવે છે; સાત્વિક વૃત્તિ યાને ધર્મને નામે પ્રજા ઉલટી તામસિક વૃત્તિનેજ ધારણ કરી રહેલી છે; વગેરે બાબતો વિષે સ્વામીજી સખત ટીકા કરતા. મદ્રાસમાંના તેમના એક ભાષણનો વિષય “આપણે હવે શું કરવાનું છે ?” એ હતો. આધુનિક સમયને ઉદ્દેશીને એ ભાષણમાં તેમણે કહ્યું હતું કે;—