આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૪૬ મું – કલકત્તામાં આગમન.

મદ્રાસમાં કેટલાક દિવસ રહીને સ્વામીજી કલકત્તે ગયા. રસ્તામાં તેઓ નાનાં રાજ્યોમાં અને જુદા જુદા પ્રાંતોમાં થોડો થોડો સમય થોભ્યા હતા અને સર્વ સ્થળે લોકોએ તેમને અંતઃકરણપૂર્વક માન આપ્યું હતું. હિંદના આ સ્વદેશભક્ત સાધુને હિંદુઓએ સર્વત્ર જે પ્રેમ, પૂજ્યભાવ અને આભારની લાગણીથી વધાવી લીધા હતા તેવો પ્રેમ અને પૂજ્યભાવ તેમણે અત્યાર સુધીમાં કોઈ રાજા, મહારાજા કે વાઈસરોય પ્રત્યે પણ ભાગ્યેજ દર્શાવ્યો હશે. સ્વામીજીને કલકત્તામાં તેમજ બીજાં સ્થળોમાં જે ભારે આવકાર આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવું અશક્ય છે. એ શુભ પ્રસંગોને પ્રેક્ષક તરિકે નિહાળવાને જેઓ ભાગ્યશાળી થયા હતા તેઓજ ફક્ત જાણે છે કે ભારતવર્ષની સમસ્ત પ્રજા એકે અવાજે કેવી લાગણી અને ઉત્સાહ દર્શાવી રહી હતી અને શ્રી રામકૃષ્ણના વહાલા શિષ્યને કેવા અલૌકિક ભાવથી વધાવી રહી હતી.

કલકત્તાના લોકો પણ સ્વામીજીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. તેમને મન તો સ્વામીજી હજી પણ તેમનો વ્હાલો નરેન્દ્રજ હતા ! સ્વામીજીને તેઓ હજી પણ કલકત્તાના મહોલ્લાઓમાં ધૂળ ઉપર બેસીને સ્વતંત્રપણે વાતો કરનારો વ્હાલો નરેન્દ્રજ ધારતા હતા ! એ વખતે ધૂળપર બેસીને નરેન્દ્ર પોતાના સ્વતંત્ર વિચારો દર્શાવતો ત્યારે તેના વિચારોને એક યુવકના તરંગો જેટલું જ મહત્ત્વ મળતું; પણ હવે કલકત્તાના વૃદ્ધો સમજવા લાગ્યા કે નરેન્દ્રના વિચારો કાંઈ ખાલી તરંગોજ ન હતા. તેમનો નરેન્દ્ર એ સમયે જે વિચારો ધરાવતો હતો તેજ પ્રમાણે તે અદ્ભુત કાર્ય અત્યારે કરી રહેલો છે એવી હવે તેમની ખાત્રી થઈ હતી.