આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રીકૃષ્ણ ઉપર પણ વ્યાખ્યાન આવ્યું હતું અને એક યુવાન સ્ત્રી ઉપર તેની એવી અસર થઈ કે તરતજ સંસારનો ત્યાગ કરી એક બેટ ઉપર જઇને પોતાનું જીવન એકાન્તમાં ગાળવા લાગી. તે સ્ત્રી એક મોટી મિલકતની વારસ હતી, તેને પણ તેણે છોડી દીધી અને પોતાના દિવસો તે શ્રીકૃષ્ણના ચિંતનમાંજ પસાર કરી રહી છે.”

એક દિવસ સ્વામીજી બંગાળાની થીઓસોફીકલ સમાજના મકાનમાં રહેનાર એક યુવાન જોડે વાત કરી રહ્યા હતા. તે યુવાન બોલ્યો: “સ્વામીજી, અનેક સંપ્રદાયોના સિદ્ધાંતોને હું સાંભળું છું, પણ સત્ય શું છે તે હું જાણી શકતો નથી.” ઘણાજ પ્રેમથી સ્વામીજીએ જવાબ આપ્યો કે, “તારે ગભરાવું નહિ. એકવાર મારી પણ તારા જેવીજ દશા હતી. અત્યાર સુધીમાં તને શું બોધ મળ્યો છે તે મને કહે.” તે યુવાને કહ્યું કે, “થીઓસોફીકલ સમાજના એક ઉપદેશકે મને મૂર્તિપૂજાની આવશ્યક્તા અને ઉપયોગિતા સમજાવી છે અને તેમના કહેવા પ્રમાણે હું પૂજા અને જપ કરું છું, પણ મને શાંતિ મળતી નથી. મહારાજ, જપ કરતી વખતે મારી ઓરડીનાં બારણાં બંધ કરી દઉં છું અને મારી આંખો પણ મીંચી દઉં છું; છતાં મારા ચિત્તમાં જરાપણ શાંતિ વળતી નથી. તમે મને માર્ગ બતાવશો ?”

દયા અને સ્નેહની લાગણીથી સ્વામીજી બોલ્યા: “તારે તારી ઓરડીનાં બારણાં બંધ કરવાને બદલે તે ખુલ્લાંજ રાખવાં જોઇએ અને આંખો બંધ કરવાને બદલે ઉઘાડીજ રાખી આસપાસ જોવું જોઈએ. તારી પડોશમાં હજારો ગરિબ અને નિરાધાર મનુષ્યો વસતાં હશે. તારાથી બને તેટલી સેવા તેમની તારે કરવી જોઇએ. કોઇ માણસ માંદુ હોય અને તેની સારવાર કરનારૂં કોઈ ન હોય તેવાની તારે ચાકરી કરવી જોઈએ. કોઈની પાસે ખાવાનું ન હોય તેવાને તારે ખવરાવવું જોઈએ. કોઈ અભણ હોય તેવાને તારે ભણાવવું જોઈએ.