આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને બને તો તેને તેનો ઉપાય પણ બતાવતા. પ્રજારૂપી વૃક્ષનાં મૂળ, ડાળાં અને થડ, સર્વેને પોષણ આપનારી સઘળી પ્રવૃત્તિઓ તરફ સ્વામીજીની સહાનુભૂતિ હતી. પ્રજારૂપી વૃક્ષનાં મૂળને પોષવાં અને ડાળાં તરફ બેદરકાર રહેવું કે ડાળાંને પોષવા અને મૂળ તરફ બેદરકાર રહેવું, એ સ્વામીજીની દીર્ઘદષ્ટિમાં પ્રજારૂપી વૃક્ષનું પોષણ ગણાતુંજ નહિ.

હવે સ્વામીજી પોતાના ગુરૂભાઈઓ, શિષ્યો અને શ્રીરામકૃષ્ણના ભક્તોનું ચારિત્ર્ય ઘડવા લાગ્યા. તેમનામાં આત્મશ્રદ્ધાનો વિકાસ કરવા લાગ્યા. “તમે સિંહો છો, તમે આધ્યાત્મિક બળના ભંડાર છો, સર્વ શક્તિમાન છો, અખિલ વિશ્વને ધ્રુજાવવાની તમારામાં શક્તિ રહેલી છે, માત્ર તમે આત્મશ્રદ્ધા ધરો અને તમારામાં રહેલી શક્તિઓને જાગૃત કરો,” એવા એવા અનેક બોધ સ્વામીજી તેમને કરવા લાગ્યા. ગરિબ, નિરાધાર, રોગી વગેરેની સેવા કરો અને તમારા દાખલાથી જગતને તેની સેવા કરવાનું શીખવો. તમારે હવે દેવાલયોમાં જ પ્રભુનાં દર્શન કરવાનાં નથી, પણ પ્રભુનો સાક્ષાત્કાર ગરિબ અને રોગી મનુષ્યોમાં–પ્રભુના વિરાટ સ્વરૂપ–જગતમાં–રાષ્ટમાં કરવાનો છે. તમારા ધર્મને માટે, તમારા દેશને માટે તમારે એકાંત વાસમાંથી બહાર નીકળવાનું છે અને હજારો નિરાશ્રિત, અજ્ઞાની અને દુઃખી મનુષ્યોનાં અંતઃકરણમાં આશા, આશ્વાસન અને જ્ઞાનનો વાસ કરાવવાનો છે. મારે ભારતવર્ષમાં નવીન પ્રકારનાજ સંન્યાસીઓ ઉભા કરવાના છે અને તે એવા હોવા જોઈએ કે જે પોતાની મુક્તિની દરકાર નહિ કરતાં ગરિબ અને દુઃખીને સહાય અર્પવામાં નરકવાસ ભોગવવો પડે તો તે પણ વેઠી લે.

કલકત્તાના કેટલાક યુવાનો અત્યાર સુધી સ્વામીજીના કહ્યા પ્રમાણે બ્રહ્મચારીનું જીવન ગાળી રહ્યા હતા. તેમને હવે સંન્યાસ દિક્ષા લેવાની ઈચ્છા હતી. સ્વામીજીએ તેમનો અધિકાર જોઈને તેમને