આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૩
પંજાબ વગેરે તરફ વિચરણ.


તેમના આત્માના ઉજ્જવલ પ્રદેશમાંથી સત્ય ધર્મનો પ્રબળ પ્રવાહ વહીને બહાર નીકળી આવતો અને તે જગતનાં બુદ્ધિશાળી અને ધાર્મિક મનુષ્યોનાં હૃદયમાં શાંત અને નિર્મળ જળનું સિંચન કરતો. હિંદમાં પોતાના પ્રવાસમાં સ્વામીજી અનેક સંતો, સાધુઓ અને બ્રહ્મવિદ્‌ સંન્યાસીઓને મળ્યા હતા. તેમની પાસેથી તેમણે ઘણો અનુભવ મેળવ્યો હતો અને જાણે કે તેમના પ્રતિનિધિ રૂપેજ તે જગતમાં વિચરી રહ્યા હતા, માત્ર વેદાન્તનોજ તે બોધ કરતા. વેદાન્તને સાદામાં સાદા સ્વરૂપમાં તે સમજાવતા. સઘળી પ્રજાઓથી સમજાય અને પોતાના વ્યાવહારિક જીવનમાં પણ જેનો ઉપયોગ કરી શકાય એવાં સાદાં સત્યોનોજ તે બોધ કરતા. તેમનો બોધ મનુષ્યોને છુપી રીતે આપવાનો નહોતો; સૂર્યના પ્રકાશની માફક તે સર્વેને માટે ખુલ્લોજ હતો. આકાશની માફક તે વિશાળ હતો અને સર્વે ધર્મોનો તે સ્વીકાર કરતો.

લાહોરમાં સ્વામીજીનું પહેલું ભાષણ “ભક્તિ” ઉપર થયું હતું. ભાષણમાં સ્વામીજીએ પુરાણોના સંબંધમાં જણાવ્યું હતું કે પુરાણો ધર્મનું ઉચ્ચમાં ઉચ્ચ સ્વરૂપ સમજાવે છે એમ કોઈ કહેતુંજ નથી; પરંતુ અત્યાર સુધી તે હયાતીમાં રહેલાં છે એજ તેમની જરૂરીઆત સાબીત કરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં અને જુદા જુદા દેશોની પ્રજાઓની સાથે સરખામણી કરતાં સમજાશે કે દરેક પ્રજા અને દરેક ધર્મને અને મનુષ્યોને ઈશ્વર તરફ વાળવાને માટે એવાં પુરાણો અને પ્રતિમાપૂજાની જરૂર પડેલી છે, અને જે લોકો પ્રતિમાપૂજાથી વિરૂદ્ધ છે તે મનુષ્ય સ્વભાવને બરાબર સમજતાજ નથી. તેની સાથે જે મનુષ્યો સર્વેને માટે મૂર્તિપૂજાની આવશ્યકતા દર્શાવે છે તેમનું કહેવું પણ ઉચિત નથી. વળી પૂજાનું પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વરૂપ તે એજ છે કે જીવતાં મનુષ્યોમાં અને ખાસ