આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૧
૫ંજાબ વગેરે તરફ વિચરણ.


એવોજ ભાસ અમને થઈ રહ્યો. આગ્રામાં પણ બરાબર તેમજ બન્યું.”

આગ્રાથી સ્વામીજી અલવર ગયા. અહીં તેમને ઘણાજ સત્કારપૂર્વક મહારાજના એક બંગલામાં ઉતારો આપવામાં આવ્યો હતો. સ્વામીજી અલવરના સ્ટેશન ઉપર ઉતર્યા તે વખતે સ્ટેશન ઉપર થએલા ભવ્ય મેળાવડામાં ઘણા પ્રતિષ્ઠિત પુરૂષોની વચમાં સ્વામીજી બેઠા હતા. સ્વામીજીનો એક ભાવિક શિષ્ય દૂર ઉભો રહી તેમનાં દર્શન કરતો હતો. તે શિષ્ય ઘણો ગરિબ હતો અને પોતે સારાં વસ્ત્ર નહિ પહેરેલાં હોવાથી પાસે આવી શકતો નહોતો. સ્વામીજીએ આઘેથી તે ભાવિક મનુષ્યને જોતાંજ ઓળખ્યો અને મેળાવડાના કાર્યક્રમની કે સભ્યતાના નિયમોની દરકાર નહિ કરતાં તેને બૂમ પાડીને બોલાવવા લાગ્યા કે; “રામસ્નેહી ! રામસ્નેહી !” મોટા મોટા અમલદારો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોની વચમાં થઈને રામસ્નેહીને સ્વામીજીની પાસે લાવવામાં આવ્યો. સ્વામીજીએ તેને કુશળ સમાચાર પૂછ્યા અને તેની સાથે ઘણીજ છૂટથી વાત કરવા લાગ્યા.

સ્વામીજી પોતાના શિષ્યોને કેવા ઉંડા ભાવથી ચ્હાતા હતા તે નીચેના બનાવ ઉપરથી સમજાશે. ઈંગ્લાંડથી આવ્યા બાદ મદ્રાસમાં તેમના માનમાં મોટો વરઘોડો નીકળ્યો હતો ત્યારે તેમને એક મોટી બગીમાં બેસાડવામાં આવ્યા હતા અને લોકો તેમને ઘણા માનથી વધાવી રહ્યા હતા. રસ્તામાં અને મહોલ્લાઓમાં માણસોની ઘણી ગરદી થઈ રહી હતી. તે ગરદીમાં આઘે તેમનો એક જુનો શિષ્ય ઉભેલો જણાતાંજ સ્વામીજીએ તેને ઓળખ્યો અને બૂમ પાડીને તેને બોલાવ્યો. પછી ગાડી ઉભી રખાવી અને પોતાના જુના શિષ્યને પોતાની પાસેજ બેસાડ્યો.

સ્વામીજી કલકત્તામાં હતા ત્યારે એકવાર જાતેજ એક શિષ્યના પગ ધોઈ રહ્યા હતા. તેમની અંગ્રેજ શિષ્યા બહેન નિવેદિતા (મિસ મારગરેટ નોબલ) એ વખતે ત્યાં ઉભેલાં હતાં. તેઓ એ બનાવ