આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નવગોપાળ શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમણે રામકૃષ્ણપુરમાં એક મંદિર બંધાવ્યું હતું અને તેમાં શ્રીરામકૃષ્ણની મૂર્તિ પધરાવવાની હતી. તે ક્રિયા કરવાને સ્વામીજીને બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજી તેમના ગુરૂભાઇઓ, શિષ્યો, વગેરેને લઇને રામકૃષ્ણપુર જવાને નીકળ્યા. હોડીઓમાં બેસીને સર્વ રામકૃષ્ણપુરના ઘાટ ઉપર ઉતર્યા અને ત્યાંથી મંડળીના આકારમાં ગોઠવાઇને ભજન કરતા કરતા આગળ ચાલ્યા. બીજા ઘણા ભક્તો એ મંડળીમાં સામેલ થયા. કેટલાકો ભજન કરતા કરતા ગાવા અને નાચવા લાગ્યા. સર્વેની વચમાં સ્વામીજી ગળામાં મૃદંગ લટકાવી તેને વગાડતા વગાડતા ઉઘાડા પગે ચાલતા હતા. સાદાં ભગવાં વસ્ત્ર તેમણે પહેર્યાં હતાં. રસ્તાની બંને બાજુએ હજારો માણસ ભેગાં થયાં હતાં.

સ્વામીજીને આવા સાદા પોશાકમાં ઉઘાડા પગે અને મૃદંગ વગાડતા જોઈને પ્રથમ તો લોકો તેમને ઓળખી શક્યા નહિ; પરંતુ જ્યારે તેમને માલમ પડ્યું કે અખિલ વિશ્વમાં વેદાન્તનો ઝુંડો ફરકાવનાર પુરૂષ એજ છે, ત્યારે લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેઓ ખુશાલીના પોકારોથી સ્વામીજીને વધાવી લેવા લાગ્યા અને એક બીજાની સાથે વાત કરવા લાગ્યા કે “કેવી નમ્રતા ! કેવી સુંદર અને લાવણ્યમય આકૃતિ !”

નવગોપાળ ઘોષને ઘેર મૂર્તિસ્થાપનની ક્રિયા પુરી થઈ રહ્યા પછી અચાનકજ શીઘ્ર કવિની માફક સ્વામીજીના મુખમાંથી નીચેનો શ્લોક નીકળી ગયો કે,—

स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरुपिणे ।
अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः ॥

“ધર્મનો પુનરોદ્ધાર કરનાર, સર્વ ધર્મોની સાક્ષાત્‌ મૂર્તિ, સર્વે અવતારોમાં શ્રેષ્ઠ, એવા શ્રીરામકૃષ્ણ ! તમને નમસ્કાર છે.”