આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પાસે બેઠો હોય તેમ ભાસ થતો. રામાયણ, મહાભારતાદિ જે આર્યગ્રંથો આર્યજાતિની ઉત્કૃષ્ટ ભાવનાઓ, ચારિત્ર્ય અને શિક્ષણથી ભરપુર છે તે આ આર્યમહિલા ભુવનેશ્વરી દેવીને કંઠાગ્ર હોવાથી તેમાંના ઉત્તમ આદર્શો, ભાવનાઓ અને આર્યગૌરવનો ઝરો તેમના હૃદયમાં સ્વાભાવિક રીતે વહ્યાજ કરતો અને તે એવા ભાવ અને જુસ્સાથી વહેતો કે તેમના સમાગમમાં આવનારને તરબોળ કરી મૂકતો અને તેની ઊંડી છાપ તેના હૃદયમાં સદાને માટે પડી રહેતી. આર્યગ્રંથોના ફકરાને ફકરા પ્રસંગ આવતાં તે મ્હોડે બાલી જતાં અને તેમના સમાગમમાં આવનારને તેનો પાસ સચોટપણે લાગી જતો. આ વિચારોનો ખજાનો તેમણે તેમનાં છોકરાંને અમૂલ્ય વારસા તરીકે આપ્યો છે. સ્વામી વિવેકાનંદના ચારિત્રમાં પણ માતાએ અર્પેલો આ અમૂલ્ય વારસો, જાતિ અભિમાન અને જાતિગૌરવ સ્પષ્ટપણે દેખાતાં હતાં. અમેરિકામાં વેદાન્તનો બોધ કરતાં વિવેકાનંદ જે અનેક કથાઓ દૃષ્ટાંતરૂપે કહેવાને ભાગ્યશાળી થયા હતા, તે સર્વ કથાઓ – તેના શબ્દો – તે કહેવાની શૈલી તેઓ આર્યમાતા ભુવનેશ્વરીના ખોળામાંજ શિખ્યા હતા ! અને શિકાગોની સર્વ ધર્મ પરિષદ્‌માં પહેલેજ દિવસે જે છટાથી દસ હજાર પરદેશીયોનાં મન હરી શક્યા હતા, તે છટામાં પણ ભુવનેશ્વરી દેવીનોજ હાથ હતો ! ભુવનેશ્વરી દેવી જો ન હોત તો વિવેકાનંદનો એ વિજય અપૂર્ણજ રહ્યો હોત ! આર્યમાતા આથી વધારે શું કરી શકે ? કુટુંબને શિક્ષણ આપવું અને તેનું ચારિત્ર ઘડવું એ પવિત્ર ફરજ આર્યમાતાની છે. ભુવનેશ્વરી દેવીએ કોલેજ અગર હાઇસ્કુલમાં શિક્ષણ લીધા વગર તે પવિત્ર ફરજ પૂર્ણપણે બજાવી છે એમ સ્વામીજીના જીવન ઉપરથી કહી શકાય ! ધન્ય છે એ માતાને !