આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૫
દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.


સાંજે ગીતા ઉપર વ્યાખ્યાનો આપવા માંડ્યાં. મદ્રાસની યંગ મેન્સ હિંદુ એસોસીએશનમાં પણ તેમણે સંખ્યાબંધ ભાષણો આપ્યાં. આગળ ચાલતાં તેઓ નિયમીત રીતે ઉપનિષદો પણ શીખવવા લાગ્યા.

માઈલાપુરમાં, ત્રીપ્લીકેનમાં તેમજ ચીંતાદ્રીપટમાં વર્ગ ઉઘાડવામાં આવ્યા હતા. એ દરેક સ્થળે વીસ પચીસ યુવકો શ્રીમદ્ ભગવદ્‌ગીતા તેમજ ઉપનિષદોનો અભ્યાસ નિયમિતપણે કરવા લાગ્યા. આ યુવકોમાં ઘણાખરા ગ્રેજ્યુએટો હોઇને અધ્યયનમાં ઘણોજ રસ લેતા હતા.

વેદાન્તનું બીજું મથક કોલમ્બોમાં સ્થાપી સ્વામી શિવાનંદને ત્યાં મોકલવામાં આવ્યા. કેટલાક યૂરોપિયનો અને ઘણા સુશિક્ષિત હિંદુઓ તેમના વર્ગમાં આવવા લાગ્યા. કેટલાક યૂરોપિયનોની ઇચ્છા નિયમિતપણે ભગવદ્‌ગીતા શિખવાની હતી, તેથી કરીને સ્વામી શિવાનંદ તેમને ગીતાજી શિખવવા લાગ્યા. સ્વામી શિવાનંદ જે સર્વથી અગત્યનું કાર્ય બજાવતા તે એ હતું કે જે કેટલાક જીજ્ઞાસુ પુરૂષો શરીરની અશક્તિ વગેરે કારણોથી તેમની પાસે આવી શકતા ન હોતા તેમને ઘેર જઈને પણ તેઓ વેદાન્તનું શિક્ષણ આપતા હતા અને એવા અનેક જીજ્ઞાસુ–પણ અશક્ત મનુષ્યોને એ શિક્ષણ ઘણુંજ ઉપકારક થઈ પડ્યું હતું.

સને ૧૮૯૭–૯૮ ની સાલમાં બંગાળામાં અને બીજા પ્રાંતોમાં ભયંકર પ્લેગ અને દુષ્કાળ ચાલી રહ્યાં હતાં, ત્યારે પણ સ્વામી વિવેકાનંદની દેખરેખ નીચે રામકૃષ્ણ મિશને ઘણું અગત્યનું કાર્ય બજાવ્યું હતું. તે વખતે સ્વામી વિવેકાનંદે પોતાના ગરૂભાઈઓ અને શિષ્યોની મદદથી સ્થળે સ્થળે દુષ્કાળકામો અને અનાથાશ્રમો સ્થાપ્યાં હતાં. ત્યાં ભૂખ્યાં અને નિરાશ્રિત સ્ત્રી પુરૂષોને અન્ન, વસ્ત્ર વગેરે આપવામાં આવતું હતું. વળી પ્લેગના સમયમાં ઠામે ઠામે સંક્ટ નિવારણ સંસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. તેમાં પ્લેગથી