આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એ શિષ્યોનું જીવન ઘણું જ રસમય અને અનેક જાતની પવિત્ર ભાવનાઓથી ઉછળી રહેતું. અહીંઆં સ્વામીજી એકાદ વૃક્ષ નીચે બેસતા અને વાર્તાલાપના અસ્ખલિત પ્રવાહથી હિંદનો ઇતિહાસ, તેની દંતકથાઓ, વર્ણાશ્રમધર્મ અને રીતરિવાજો તેમજ ધાર્મિક આદર્શોને પોતાની કાવ્યમય ઓજસ્વી વાણીથી સમજાવતા. આખરે તેમનું કથન પ્રભુના મહિમામાં અને તત્ત્વોપદેશમાં સમાપ્ત થઈ સવે પરમાનંદમાં મગ્ન થઈ રહેતાં.

સ્વામીજીની શિક્ષણપદ્ધતિ અપૂર્વ હતી. હિંદુજીવનનાં અનેક સ્વરૂપો, તેના હેતુઓ, મહત્ત્વાકાંક્ષાઓ, ગુહ્ય શક્તિઓનો ચિતાર તે શિષ્યોને પ્રત્યક્ષ કરાવતા અને તેમના પરસ્પર સંબંધો સમજવાનું કાર્ય તેમનેજ સોંપતા. એથી કરીને એ વિષયમાં શિષ્યોની બુદ્ધિ ખીલતી. કોઈવાર સ્વામીજી કોઈ ઉત્તમ કાવ્ય કે પુરાણનો કોઈ ભાગ તેમને શ્રવણ કરાવતા અને હિંદુધર્મની દંતકથાઓ અને ક્રિયાઓનું તેમને ભાન કરાવતા. કોઈવાર ઉમા–મહેશ્વર વચ્ચેના અદ્ભુત સંબંધ અને તત્વ ચર્ચાની વાતો કહેતા, તો કોઈવાર રાધાકૃષ્ણ કે શ્રી મહાકાળીનાં વૃત્તાંતો સમજાવતા. સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે જે વિષયને તે હાથમાં લેતા તેને અદ્વૈતવાદની દૃષ્ટિથી સમજવતા અને જ્ઞાનની દરેક શાખા એકજ નિત્ય વસ્તુ–પરમાત્માનેજ શોધી રહેલી છે એમ પ્રતિપાદન કરતા. ઐહિક યાને વ્યવહારિક જ્ઞાનને તેઓ નકામું નહિ પણ પારમાર્થિક જ્ઞાનનાં પગથીયારૂપજ દર્શાવતા.

ભારતવર્ષ વિષેના અજ્ઞાનને લીધે પાશ્ચાત્યોના મનમાં જે અનેક પ્રકારના ખરાબ વિચારો બંધાઈ ગયેલા હતા તે વિચારોને સ્વામીજી આવી રીતે તેમના હૃદયપટ ઉપરથી ભૂંસી નાંખતા; પરંતુ તેની સાથે હિંદુઓમાં ઘૂસી બેઠેલા ન્યાત જાતના અનેક ભેદો અને ખરાબ રિવાજો કે જેનાથી આખી હિંદુ સમાજ પાયમાલ થઈ રહી છે,