આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વાભાવિક સાધુવૃત્તિ વધારેને વધારે પોષાતી ચાલીને સતેજ થવા લાગી હતી. સ્વામીજી વધારેને વધારે શાંત બની, જીવભાવને ભૂલી, સર્વાત્મભાવને પ્રગટ કરતા જણાતા હતા. એ સમય વિષે બહેન નિવેદિતા લખે છે કે;–

“કોઇ પ્રેમી પોતાના પ્રેમપાત્રની રાહ જોઈ રહ્યો હોય તેમ સ્વામીજી ભસ્મ ધારણ કરીને અહીં તહીં વિચરતા અને વૈરાગી કે એકાંતમાં બેઠેલા યોગીના જીવનનોજ વિચાર કર્યા કરતા હતા. સ્વામીજી આજે કાલે કે ગમે તે સમયે અમને છોડીને એકદમ ચાલ્યા જશે એવું કોઈ અમને કહે તો તેથી આશ્ચર્ય લાગતું ન હતું. સ્વામીજી પોતે અને તેમના ઉપર આધાર રાખનારાં અમે બધાં અહીં પ્રભુની મરજી પ્રમાણે ગંગાજીમાં તણાતાં તણખલાં જેવાં હતાં. કારણ કે ક્યારે સ્વામીજીને મન આખું જગત નહિવત્‌ બની રહેશે કે ક્યારે તેમના ઐહિક જીવનનો અંત આવી રહેશે તે કહી શકાતું નહોતું.”

“સ્વામીજીનું આવું અવ્યવસ્થિત જીવન અત્યારે કાંઈ પહેલ વહેલું કે આકસ્મિક ન હોતું. થોડાં વર્ષ ઉપર સ્વામીજી મને વંચાવવાને એક કાગળ લાવ્યા હતા. તે વાંચીને મેં તેમને એક બે વ્યાવહારિક વ્યવસ્થા સંબંધી સુચનાઓ કરી હતી. તે સાંભળીને સ્વામીજી ઘણોજ કંટાળો ખાઈને બોલ્યા હતા કે ‘વ્યવસ્થા ! વ્યવસ્થા, ! તમે પાશ્ચાત્યો કદીએ ધર્મને તેના ખરા રૂ૫માં પોતામાં પ્રકટાવી શકતા નથી અને અન્યોમાં તેવાજ રૂપમાં પ્રવર્તાવી શકતા નથી તેનું કારણ એજ છે. જો તમારામાંનું કોઈ તેને પ્રકટાવી અને પ્રવર્તાવી શક્યું હોય તો તે કેટલાક કેથોલીક સાધુઓજ હતા કે જેમને વ્યાવહારિક વ્યવસ્થાનો તો વિચાર સુદ્ધાં ન હતો. વ્યવસ્થા કરનારાઓથી કદીએ ધર્મનો ખરા અર્થમાં અનુભવ કે ઉપદેશ કરી શકાતો નથી. સ્વામીજીના એ શબ્દો હું કદીએ ભૂલી જનાર નથી.”