આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને બાળક તે શ્લોકોને થોડા જ સમયમાં કંઠે કરી નાખતું અને આથી કરીને એમ કહેવામાં આવે છે કે, જ્યારે બાળક છ વરસનું થયું ત્યારે લગભગ અર્ધો અમરકોશ તે મોંએ બોલી જતું હતું !

આ અવસ્થામાં પણ પવિત્રતા અને ભક્તિ તરફ તેનું મન આકર્ષાતું અને ધાર્મિક ક્રીયાઓ કરવાને તે આતુર બની જતું. નિશાળેથી પાછા ફરતાં રસ્તામાં તે મુક્તિફોજના માણસોને જતા જુએ તો પુસ્તકોને રસ્તામાં ફેંકી દઈ તેમની પાછળ એક ગાંડા માણસની માફક તે જાય. સાધુ, વૈરાગીને માટે તે અત્યંત પ્રેમ દર્શાવતું અને ભિક્ષા માગવાને માટે જો કોઈ સાધુ તેને ઘેર આવે તો તેને પોતાનું પહેરેલું કપડું પણ તે આપી દેતું. એક વખત તેને નવી ધોતી પહેરાવવામાં આવી હતી. એક સંન્યાસી “નારાયણ હરિ ! નારાયણ હરિ !” બોલતો બોલતો ઘર પાસે આવ્યો. નરેન્દ્રના હર્ષનો પાર રહ્યો નહિ. સાધુએ એક કપડાની ઈચ્છા દર્શાવી. તરતજ નરેન્દ્રે પોતાની નવી ધોતી તેને કહાડી આપી. આથી કરીને કોઈ સાધુ બારણા આગળ આવે તો ભુવનેશ્વરી દેવી નરેન્દ્રને કલાકના કલાક સુધી ઘરમાં પુરી રાખતાં અને આંગણે આવેલા સાધુથી તેને દૂર કરી દેતાં, પણ આથી બાળક રોકાતું નહિ. ઘરમાં પુરી રાખવામાં આવે ત્યારે મેડી ઉપર ચઢી બારીઓ અને જાળીઆમાંથી જે પણ વસ્તુ હાથમાં આવે તેને તે સાધુ તરફ ફેંકતો !

ભુવનેશ્વરી દેવી શ્રીરામ અને સીતાની કથા દરરોજ નરેન્દ્રને કહેતાં. તે ઘણા ઉલ્લાસથી આખી કથા સાંભળતો. ભુવનેશ્વરી દેવી અને આખું કુટુંબ શ્રીરામ અને સીતાની પ્રતિમાઓની પૂજા, ચંદન અને પુષ્પ વડે રોજ કરતાં. આ બધું નરેન્દ્ર પ્રત્યક્ષ નિહાળતો. આથી નરેન્દ્રને પણ શ્રીરામની પૂજા કરવાનું મન થયું. માતાએ તેને તે બાબતમાં જરા જરા દોર્યો હતો. પોતાના એક બ્રાહ્મણ મિત્રની સાથે