આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને તેમની મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને સમજાવવા લાગ્યા. હિમાલયમાં એક ભવ્ય દેવાલય અને તેની આસપાસનું સૃષ્ટિસૌંદર્ય જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા કે “જુઓ પોતાનાં દેવાલયો બંધાવવામાં પણ હિંદુઓએ કેવી વિલક્ષણ બુદ્ધિ વાપરેલી છે ? તેઓએ હમેશાં ભવ્ય સૃષ્ટિસૌંદર્યવાળીજ જગ્યાઓ પસંદ કરેલી છે. જુઓ, આ દેવાલયમાંથી આખો કાશ્મીર દેશ જણાઈ રહે છે. હરિ પર્વતનું રાતું શિખર આસમાની રંગના જળ ઉપર તરી આવે છે તે જાણે કોઈ સિંહ પોતાના પાછલા પગ ઉપર ઉભો હોય તેવું દેખાય છે. આ મારતંડના દેવાલયની તળેટીમાં કેવી મોટી ખીણ આવેલી છે ?”

શ્રીનગર તરફ પાછા ફરતાં સ્વામીજી સંન્યાસનું ધ્યેય સમજાવવા લાગ્યા. સાંસારિક જીવનનેજ મહત્વ આપ્યા કરનારાઓને તેમણે ભ્રમમાં પડેલા જણાવ્યા. તેમણે કહ્યું કે “જનક જેવા થવું એ કંઈ સહેલું કામ છે ? કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર રાજ્ય કરવું એ શું નાની સુંની વાત છે ? દ્રવ્ય, કીર્તિ, સ્ત્રી, પુત્ર, કોઈની ૫ણ દરકાર નહિ કરતાં નિષ્કામ અને નિર્લેપભાવે રાજ્ય વ્યવહાર ચલાવવો એ ઘણુંજ કઠણ કામ છે. પશ્ચિમમાં મને ઘણાએ કહ્યું હતું કે તેવી સ્થિતિ તેમણે પ્રાપ્ત કરેલી છે; પણ હું તો તેમને એટલુંજ કહેતો કે ભારતવર્ષમાં તો હવે એવા પુરૂષો ઉત્પન્ન થતા નથી. આ વાત તમે જાતે પણ જરૂર સમજી રાખજો અને તમારાં છોકરાંને પણ શિખવજો કે એક આગીયા અને સૂર્ય વચ્ચે અથવા એક નાના ખાબોચીયા અને અપાર સમુદ્ર વચ્ચે કે એક રાઈના દાણા અને મેરૂ પર્વત વચ્ચે જેટલો ફેર છે તેટલોજ ફેર ગૃહસ્થાશ્રમી અને સંન્યાસીની વચમાં છે.” કોઈ કોઈવાર સ્વામીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત કહાડીને તેમની સાદાઈનાં ભારે વખાણ કરતા. હિંદના વાઈસરોયની મુલાકાતે વિદ્યાસાગર જતા ત્યારે પણ કોઈ દિવસ તેમણે