આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વગેરે બાબતો તેમના શિષ્યોની આગળ કહેતા અને તેમને હિંદનું ગૌરવ સમજાવતા. તે સર્વે બાબતનું વર્ણન આપવું અશક્ય છે.

કાશ્મીરની ઉત્તરે આવેલું અમરનાથનું ધામ હિંદુઓના ધાર્મિક જીવનનો ઉત્તમ ખ્યાલ આપે છે. અહીંઆ અનેક સાધુ, સંન્યાસીઓ અને ગ્રહસ્થો યાત્રાર્થે આવે છે અને તે વખતે તેમનાં તપાચરણ, ધાર્મિક ક્રિયાઓ અને ભાવનાઓથી આખું વાતાવરણ પવિત્ર, ધાર્મિક, અને હિંદુમય બની રહેલું લાગે છે. હિંદનો આત્મા ક્યાં રહેલો છે. એનો પુરેપુરો ખ્યાલ આપણને આવાં સ્થળોમાંજ આવે છે. પોતાના પાશ્ચાત્ય શિષ્યોને આ સ્થળથી પરિચિત કરવા માટે સ્વામીજી તે સર્વેને લઇને અમરનાથની યાત્રા કરી આવ્યા.

અમરનાથના રસ્તામાં સર્વે શિષ્યો તેમજ યાત્રાળુઓ આગળ ચાલ્યા જતા હતા, પણ સ્વામીજી ધીમે ધીમે પાછળ આવતા હતા. પોતે એકલા ચાલવાનું વધારે પસંદ કરતા હતા કારણ કે તેમનું ચિત્ત અનેક ધાર્મિક વિચારોમાં લીન થયેલું રહેતું હતું. અમરનાથનાં દર્શનથી સ્વામીજીના હૃદય ઉપર એટલી બધી ઉંડી અસર થઈ હતી કે કેટલાક દિવસ સુધી તે તેની ને તેની જ વાત કર્યા કરતા હતા. યોગીઓના ઈશ્વર–મહાદેવ, ત્યાગી, વૈરાગી અને ઉમાપતિનું ધ્યેય અમરનાથનાં દર્શનથી વધારે દૃઢ થઈ રહ્યું હતું.

અમરનાથની યાત્રા પૂરી થયા પછી સ્વામીજી પોતાના શિષ્યોને લઈને પાછા શ્રીનગર ગયા. અહીંઆં ઘણા દિવસ સુધી સ્વામીજીએ પોતાના શિષ્યોનો ત્યાગ કરીને એકાન્તવાસમાં રહી ધ્યાન અને આત્મચિંતનમાંજ સઘળો વખત વ્યતીત કર્યો. જ્યારે તે પાછા આવ્યા અને પોતાના શિષ્યોને મળ્યા ત્યારે તેમના મુખમાંથી અલૌકિક અનુભવોની અમૃતધારા વર્ષી રહી. જગતમાં વિચરતાં, લોકકલ્યાણનાં કાર્યો કરતાં કે પોતાના શિષ્યોની સાથે રહેતાં, સ્વામીજીના હૃદયમાં