આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાથે રહેતાં અને પોતાનું જીવન સખત તપાચરણમાં ગાળતાં. માત્ર ફળાહારજ તે કરતાં અને વખતે દુધ પીતાં. કશું પાથર્યા વગરજ પાટ ઉપર તે સૂઇ રહેતાં. સ્વામીજી જાતે કોઇ કોઈવાર નિવેદિતાને માટે રસાઈ કરતા અને પોતાની દુહિતાને સાથે બેસાડીને જમાડતા. વળી કોઇવાર નિવેદિતા પાસેજ રસાઈ કરાવીને તેમની સાથે પોતે જમતા. સ્વામીજીના આગ્રહ વગર નિવેદિતા કદી અન્ન ખાતાં નહિ અને એકલો ફળાહારજ કરીને રહેતાં.

એકવાર સ્વામીજી કલકત્તામાં આવેલા પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસ માટે બનાવેલા બાગમાં ગયા હતા. રાય બહાદુર રામબ્રહ્મ સન્યાલ તે બાગના સુપરિન્ટેન્ડેન્ટ હતા. તેઓ પ્રાણીવિજ્ઞાન અને વનસ્પતિવિજ્ઞાનમાં નિષ્ણાત હોવાથી તેમની સાથે સ્વામીજીને પુષ્કળ વાતચીત થઈ. રામબ્રહ્મ બાબુ ડાર્વીનના સિદ્ધાંતને માનનારા હતા. સ્વામીજી પણ તે સિદ્ધાંતને કેટલેક અંશે માનતા, પણ તેના કરતાં પતંજલીના સિદ્ધાંતને વધારે શ્રેષ્ઠ ગણતા. વાતચીતમાં સ્વામીજીએ ડાર્વીનના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જણાવ્યું કે પતંજલીનો સિદ્ધાંતજ પ્રગતિના કારણોનું પુરેપુરૂં નિરાકરણ આપી શકે છે. ‘પૂર્ણત્વને પ્રાપ્ત કરવું ?’ એનેજ પતંજલી પ્રગતિનો ઉદ્દેશ અને છેડો કહે છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તાઓ માને છે તેમ પતંજલી “જીવન કલહ,” “યોગ્ય જીવન,” “સ્વાભાવિક પસંદગી” વગેરે સ્થિતિઓનેજ પ્રગતિનો આદર્શ અથવા સાધન ગણતા નથી. નીચલા વર્ગનાં પ્રાણીઓની બાબતમાં એ વિચારો ખરા હશે, પણ મનુષ્યોની બાબતમાં તો તે માનવ સ્વભાવને અધમજ બનાવનારા અને તેના વિકાસને અટકાવનારાજ છે. પ્રાચીન રૂષિઓ કહે છે કે પૂર્ણતાને પ્રાપ્ત કરવી એજ મનુષ્યનો સ્વભાવ છે, કેમકે પૂર્ણતા એજ તેનું ખરૂં સ્વરૂપ છે. કેટલાંક બાહ્ય આવરણો અને વિક્ષેપોને લીધે મનુષ્ય તે પૂર્ણતાને અનુભવી શકતો નથી, પરંતુ તે આવરણો અને વિક્ષેપોને દૂર કરી