આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૧
નવા મઠની સ્થાપના.


આપું છું તેનું કારણ એ છે કે તેથી કરીને તમે તમારા મન ઉપર કાબુ મેળવવાને માટે શક્તિમાન થશો. હું વારંવાર કહું છું કે નિર્બળ મનુષ્યો આત્માનો સાક્ષાત્કાર કદીએ કરી શકવાના નથી. એકવાર મનુષ્ય પોતાના મનને વશ કરીને પોતે જ પોતાનો નેતા બની રહે તે પછી જ તેને તેનું શરીર બળવાન હોય કે નબળું હોય તેની બહુ દરકાર રાખવી પડતી નથી.”

સ્વામીજી હવે કલકત્તેથી બેલુરમઠમાં આવ્યા. બેલુરમઠ હવે અપૂર્વ આનંદ અને ભજન, ધ્યાન વગેરેનું સ્થાન બની રહ્યો હતો. પોતાના શિષ્ય શરદચંદ્રને સ્વામીજી વારંવાર કહેતા કે “અહીંઆં વારંવાર આવજે. ધાર્મિક ચર્ચાઓ અને સાધનોથી આ સ્થાન કેવું પવિત્ર બની રહેલું છે ? અહીંઆં તને પવિત્ર મનુષ્યોનો સમાગમ કરવાનું મળશે. પવિત્ર ભાગીરથીમાંથી અહીંઆં આવતી શીતળ પવનની લહેરો કેવી આનંદ અને આરોગ્યદાયક છે ? અહિંના જેવું બીજું સ્થળ તને આખા કલકત્તામાં કોઈ પણ જગ્યાએ મળશે ?”

તે દિવસોમાં સ્વામીજીએ “ઉદ્‌બોધન” નામનું બંગાળી માસિક શરૂ કર્યું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોએ તેમાં બંગાળીમાં લેખો લખવાનું માથે લીધું. એક ગુરૂભાઈને–સ્વામી ત્રિગુણાતીતને–એ માસિકની વ્યવસ્થાનું કામ સોંપવામાં આવ્યું. સ્વામીજી જાતે પણ ઘણા ઉત્તમ લેખો લખવા લાગ્યા. એ માસિકમાં હિંદુ પ્રજાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુધારણા વિષેનાજ લેખો લખવાના હતા. સ્વામીજીનો દૃઢ આગ્રહ હતો કે કોઈ પણ ધર્મ કે પંથની વિરૂદ્ધ ચર્ચા કે લેખ તેમાં લખાવો ન જોઇએ. સાહિત્ય, તત્વજ્ઞાન, કવિતા અને કલાઓ ઉપર ચર્ચા કર્યા કરવા કરતાં તેનો લોકોની ઉન્નતિ કરવામાં સદુપયોગ કરવા માંડવો એવો સ્વામીજીનો વિચાર હતો. કોઈ પણ ધર્મને નિંદવો નહિ, કોઈને પણ