આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


દર્શાવ્યા હતા તે હજીપણ મને ઘણાજ યાદ આવે છે. એ ત્યાગવૃત્તિનો નાશ ન કરવો પણ તેને એવે રસ્તે લઈ જવી કે તે લોકોને ઉપયોગી થઈ રહે; અને એમ કરવું એ આપણી ફરજ છે એવું તમે કહેતા હતા તે પણ મને બરાબર સાંભરે છે.”

“હિંદમાં વિજ્ઞાનની શોધ કરવાને માટે એક સંસ્થા સ્થાપવાનો મારો જે વિચાર છે તે વિષે તમે સાંભળ્યું હશે અથવા વર્તમાનપત્રોમાં વાંચ્યું હશે. એ સંસ્થાની યોજનાનો વિચાર કરતાં મને તમારા વિચારો ઘણા યાદ આવે છે. મને લાગે છે કે એ ત્યાગવૃત્તિનો સૌથી સારામાં સારો ઉપયોગ નીચે પ્રમાણે થઈ શકશે:– ત્યાગવૃત્તિવાળા મનુષ્યોને માટે મઠો અથવા છાત્રાલયો બાંધવાં જોઇએ. ત્યાં તેઓ રહે, સામાન્ય સભ્ય જીવન ગાળે અને પોતાનો સઘળો સમય વિજ્ઞાનશાસ્ત્ર તથા ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે બીજી વિદ્યાઓના ઉંચા અભ્યાસ અને શોધમાં વ્યતીત કરે. મારો મત એવો છે કે જો કોઈ કાર્યદક્ષ પુરૂષ એ કામને પોતાને માથે ઉપાડી લે અને દેશની ત્યાગવૃત્તિને સારે માર્ગે દોરે તો તેથી ત્યાગવૃત્તિ અને વિજ્ઞાનશાસ્ત્ર ઉભયને અનેક રીતે ઉત્તેજને મળે અને આપણી માતૃભૂમિની કીર્તિ વધે. એ કામને ઉપાડી લેવાને સ્વામી વિવેકાનંદ જેવો કુશળ મનુષ્ય બીજો કોણ છે ? હું તો કોઈ બીજો જોતોજ નથી. એ બાબતમાં આપણી પ્રાચીન દંતકથાઓને સજીવન કરવાનું કાર્ય તમે કરશો ? આરંભમાં એક જુસ્સાદાર માસિક પ્રગટ કરીને લોકોને એ બાબતમાં જાગૃત કરશો તો ઠીક થશે. હું ઘણીજ ખુશીથી એ માસિક પ્રસિદ્ધ કરવાનું ખર્ચ આપીશ.

તા. ૨૩ નવેમ્બર ૧૮૯૮.
એપ્લેનેડ હાઉસ, મુંબાઈ.
હું છું તમારો,
જમસેદજી ન. ટાટા