આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૫૫ મું — મઠમાં સંન્યાસીઓની કેળવણી.

સ્વામી વિવેકાનંદ હિંદના પ્રાચીન તત્વજ્ઞાનની અને આચાર વિચારની મહત્તા જેમ પુરેપુરી સમજતા હતા તેમ પશ્ચિમના સામાજીક સેવાના સિદ્ધાંતોને પણ તે પુરેપુરૂં મહત્વ આપતા હતા. એથી કરીને આપણે જોઇશું કે મઠના સંન્યાસીઓને કેળવવામાં તેમણે હિંદના પ્રાચીન શિક્ષણની સાથે પશ્ચિમના સિદ્ધાંતોમાંથી પણ તેમને જે કંઇ શ્રેષ્ઠ અને આધુનિક સમયને ઉપકારક થાય તે સઘળું ભેળવેલું છે. હિંદુ શાસ્ત્રોમાં કહેલાં ઈશ્વર પ્રાપ્તિનાં સાધનો–યમ, નિયમ, આસન, ધ્યાનાદિમાં–તેમણે પશ્ચિમનું સામાજીક સેવાનું એક ખાસ મહત્વનું તત્વ ઉમેર્યું છે. ઈશ્વર ભક્તિમાં સઘળો સમય વ્યતિત કરનારાઓને તેમણે કર્તવ્ય પરાયણતા, સ્વદેશપ્રીતિ અને લોકસંગ્રહનું ભાન પણ કરાવ્યું છે. પ્રભુ માત્ર મંદિરોમાંજ નથી, પણ તે સર્વત્ર રહેલો છે. મંદિરોમાં મૂર્તિને પૂજવાથી પ્રભુ ખુશી થાય છે. તેના કરતાં તે લૂલાં, લંગડાં, પાંગળાં, અપંગ, નિરાધાર, ગરિબ વગેરેની સેવા કરવાથી વધારે રાજી થાય છે એમ તેમણે સમજાવ્યું છે. આધુનિક સમયમાં સાધુઓ દુઃખીઓનાં દુઃખ પ્રત્યે અને દેશની દુર્દશા પ્રત્યે ખાસ લાગણી ધરાવતા હોય એવું ભાગ્યેજ જોવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે પોતાના ઉપદેશ અને ચારિત્ર વડે તેમને એ વિષયનો પાઠ ઉત્તમ પ્રકારે શિખવ્યો છે. ઉંચા પ્રકારની સ્વદેશપ્રીતિનો રસ તેમણે સૌના હદયમાં રેડેલો છે. વળી આધુનિક સમયમાં સાધુઓ જ્યાં ત્યાં મોક્ષનીજ વાતો કરી રહેલા છે, પરંતુ તેનો પોત પોતાની પ્રકૃતિને બંધ બેસતો થઈ પડે તે યથાર્થ ક્રમ કે જેને ભગવદ્‌ગીતાએ "સ્વધર્મ” નું નામ આપેલું છે તેના અજ્ઞાનને લીધે ઘણાજ સાધુઓ ભળતી બાબતોમાંજ ગોથાં ખાઈ રહેલા જણાય છે, તો કેટલાક