આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 સ્વામીજી અત્યંત પ્રેમથીજ લેતા. પોતાના શિષ્યોમાં કંઈપણ સારા સદ્‌ગુણ જેવું જણાય તો તેનાં તે વખાણ કરવા ચૂકતા નહિ અને તેમના દોષોને તે બને ત્યાં સુધી ઢાંકીજ રાખતા. ગુરૂ અને શિષ્ય વચ્ચે જ્યાં આવો સંબંધ બંધાઈ રહ્યો હોય ત્યાં ગુરૂના મુખમાંથી નીકળતો દરેક શબ્દ, તેમનું દરેક કર્મ, તેમના દરેક વિચારો અને હેતુઓ, શિષ્યના હૃદયમાં અલૌકિક પ્રકાશ પાડી અપૂર્વ બળને ઉત્પન્ન કરે છે. તેના અહંકારનો નાશ થઈ આત્માનો અત્યંત વિકાસ થઈ રહે છે. આ વખતે આખા મઠમાં એક પ્રકારનો નવીન જુસ્સો વ્યાપી રહ્યો હતો. મઠની આંતર્‌ વ્યવસ્થા સ્વામી શારદાનંદ રાખતા હતા. સ્વામીજીએ તેમને તે કાર્યને માટે અમેરિકાથી પાછા બોલાવ્યા હતા. સ્વામી શારદાનંદ પશ્ચિમની સંસ્થાઓ અને તેની વ્યવસ્થા વગેરેનો બારીક અભ્યાસ કરીને આવ્યા હતા. સ્વામીજીના કહ્યા પ્રમાણે મઠની સઘળી આંતર્ વ્યવસ્થા તે રાખતા હતા. અમેરિકામાં તેમની હાજરીની જરૂર હતી પણ રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક બેલુરમઠ હતું અને તેની વ્યવસ્થા પ્રથમ સારા પાયા ઉપર મૂકાવી જોઈએ એવો સ્વામીજીનો વિચાર હોવાથી તે કામ કરવાને માટે શારદાનંદને બોલાવવામાં આવ્યા હતા. શિષ્યોના અધ્યયનને માટે વર્ગો લેવામાં આવતા હતા અને તેમાં સંસ્કૃત સાહિત્ય તથા પૂર્વ અને પશ્ચિમનાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવતો. વળી ધ્યાન, યોગાદિને માટે પણ અમુક સમય રાખવામાં આવ્યો હતો. અભ્યાસ કરાવવાનું કામ શારદાનંદને સોપવામાં આવ્યું હતું અને મઠનું બીજું કામકાજ યુવાન બ્રહ્મચારીઓ અને સાધુઓને સોંપવામાં આવ્યું હતું. તેઓ પોતાની મેળે સઘળા કામની વ્યવસ્થા કરી લેતા. સ્વામીજીનો વિચાર એવો હતો કે જ્યાં સુધી તેમને સ્વાતંત્ર્ય આપવામાં નહિ આવે અને જ્યાં સુધી તેમને માથે જવાબદારી સોંપવામાં નહિ આવે ત્યાં સુધી