આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૯
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


તમે વ્યાકરણની ભુલો કહો છો તે તો રૂષિઓએ સાહિત્યના પ્રદેશમાં લીધેલી છુટજ છે.” સ્વામીજી પોતે જે કંઈ લખતા તે તરફ પછી મમત્વ રાખતા નહિ. જે કંઈ લખાયું હોય તે બીજાને સોંપી દેતા અને પછીથી તે માણસ તેમાં સુધારો વધારો કરે અને છપાવે કે ન છપાવે તેની તેમને દરકાર ન હતી. હસ્તલિખિત પ્રત આપીને તે કહેતા કે, “હવે તમારી નજરમાં આવે તેમ કરો. હવે એ વિષે મને કંઈપણ પૂછશો નહિ. તેને ફરીથી જોઈ જવા જેટલી પણ ધીરજ મારામાં નથી.” પોતાના લખેલા લેખોમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવે તો તેની પણ સ્વામીજીને દરકાર ન હતી. માત્ર વિચારોમાં ફેરફાર કોઈ કરે નહિ એટલુંજ તે જોતા. લેખો લખવાના સંબંધમાં સ્વામીજી કહેતા કે “થોડાકમાં બહુ બહુ અલંકારો અને ભાવો ઘુસાડી દઈને લેખો લખવા નહિ, એવું સાહિત્ય આપણા દેશમાં ઘણું છે, તોપણ આપણા સાક્ષરો એવા લટકા મટકા દર્શાવ્યા વગર કશુંજ લખી શકતા નથી. પરિણામ એ આવ્યું છે કે દેશમાં તેથી બાયલાપણું વ્યાપી રહેલું છે. સામર્થ્ય, ભાઈ સામર્થ્ય, આપણને તો સામર્થ્યનીજ જરૂર છે. તમે તમારા કાર્યથી અને લેખોથી પુરૂષાર્થનેજ પ્રેરો. એનીજ આજે આપણને જરૂર છે. હું બંગાળી ભાષામાં એક પ્રકારની જુસ્સાથી ભરેલી નવીજ પદ્ધતિ દાખલ કરવાનો છું.”

આ વખતે મઠમાં એક ચિરસ્મરણીય બનાવ બન્યો. તે બનાવ સ્વામીજી અને નાગમહાશય વચ્ચેની મુલાકાત હતી. નાગમહાશય શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. મઠમાં સ્વામીજીની પાસે અનેક મનુષ્યો આવતા અને તેઓ ધર્મ, તત્વજ્ઞાન અને હિંદની ઉન્નતિ વિષે ચર્ચા કરતા. પણ નાગમહાશયની મુલાકાત જુદાજ પ્રકારની હતી. બંને શ્રીરામકૃષ્ણના ભક્તો; બંને પરમ પવિત્ર અને વૈરાગ્યશીલ; જાણે કે મોટી મોટી બે શક્તિઓ એકઠી થતી હોય તેવોજ તેમનો મેળાપ