આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જાતની ચિંતા વગરના દેખાતા. સ્વામીજીની હોડી ધીમે ધીમે દક્ષિણેશ્વર તરફ જતી અને તે સ્થળને જોઇને સ્વામીજી કોઈવાર ઉંડા વિચારમાં તો કોઈવાર આત્મધ્યાનમાં લીન થઈ જતા.

સને ૧૮૯૮ ના ડિસેમ્બરમાં ફરીથી અમેરિકા જવાનો વિચાર થયો. તેમની પ્રકૃતિ સારી નહિ હોવાથી દાક્તરો અને સ્વામીજીના મિત્રોએ પણ તેમને તેમ કરવાનીજ સલાહ આપી. એપ્રીલ માસમાં સ્વામીજીએ અમેરિકામાં પોતાના એક મિત્રને લખ્યું કે “બે વર્ષ સુધી શારીરિક દુઃખ ભોગવવાથી મારી જીંદગીમાંથી વીસ વરસ ઓછાં થયાં છે, પણ આત્મા તો તેવો ને તેવોજ છે.” સ્વામીજી હવે પોતાનો ઘણાખરો વખત અધ્યયનમાંજ ગાળવા લાગ્યા. વળી શિષ્યોને બોધ આપવામાં અને ભજન કીર્તનમાં પણ તેમનો કેટલોક વખત જતો. વારંવાર મઠમાં સ્વામીજીના મધુર સ્વર સંભળાતા અને તેમના આત્માના ઉંડા પ્રદેશમાંથી નીકળી આવતું કિર્તન સર્વત્ર ગાજી રહેતું.

સ્વામીજી અમેરિકા જવાના છે એમ જાણીને મઠના યુવાન સાધુઓએ તેમને એક માનપત્ર આપ્યું. તેના જવાબમાં સ્વામીજીએ “સંન્યાસ; તેનો આદર્શ અને અભ્યાસ.” એ વિષય ઉપર વિવેચન કર્યું. સ્વામીજીએ સર્વેને જણાવ્યું કે સંન્યાસીનું જીવન જગતના કલ્યાણને માટેજ છે. તેને માટે કેવળ ધ્યાનમય જીવન સ્વાભાવિક અને અશક્ય છે, તેમ કેવળ વ્યાવહારિક બની જવું એ પણ મોટી ભુલ છે. આધ્યાત્મિક્તા અને વ્યાવહારિકતા–નિવૃત્તિ અને પ્રવૃત્તિ–બંનેનો સુયોગ અને સદુપયોગ તમારે તમારા જીવનમાં સાધવો જોઇએ. તમારે સારી પેઠે ધ્યાનપરાયણ રહેવું જોઇએ, પણ તેની સાથે દરેકની પ્રકૃતિમાં સ્વાભાવિકપણેજ જે થોડું વા ઘણું રજસ વા તમસ રહેલું હોય છે તે તમને ધ્યાનમાંથી અલગ કરે ત્યારે તમારે વૃથા વાર્ત્તામાં, ગામ ગપોડામાં, ખાવા પીવાની ચર્ચા કે