આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તરિકે એમના જે અમુલ્ય વિચારોને અમે સ્મરી રહેલા છીએ, “તેમાં માનવજાતિ પ્રત્યેનો તેમનો અનુપમ પ્રેમ” સૌથી શ્રેષ્ઠ સ્થાન ભોગવે છે.”

“સ્ટીમરમાં સ્વામીજી હિંદના અનેક પ્રાચીન અને અર્વાચીન સાધુઓ, ભક્તો અને સંતોનાં વૃત્તાંતો ઘણા ઉલ્લાસથી કહેતા અને તેમના જીવન ઉપર રહસ્યમય નવીન પ્રકાશ પાડતા. દરેક સાધુનું વૃત્તાંત આપતાં સ્વામીજીનો આત્મા ઉછળી રહેતો અને શ્રોતાને પણ એમજ લાગતું કે જેનું વૃત્તાંત અપાય છે તેના કરતાં વધારે મોટો બીજો થયોજ નહિ હોય.”

“અમે એડન પહોંચવાની તૈયારીમાં હતાં. સમય સાયંકાળનો હતો. મેં સ્વામીજીને સવારેજ પૂછ્યું હતું કે હિંદના બીજા હિતૈષીઓની યોજનાઓ અને તમારી યોજનાઓમાં શો ફેર છે ? એ વિષય ઉપર સ્વામીજીના વિચારોને બહાર કહાડવવાનું ઘણુંજ મુશ્કેલ હતું. સ્વામીજી બીજાઓનાં વખાણ કરવા તરફ ઉતરી પડતા હતા અને તેથી પ્રશ્નના જવાબનો અંતજ આવતો. પણ તે દિવસે સાંજે તે એકાએક એજ વિષય ઉપર વાત કરવા લાગ્યા.તે બોલ્યા:—”

“જેઓ હિંદમાં ફરીથી વહેમોનેજ ઘાલવાનો પ્રયાસ કરે છે તેમનાથી હું તદન જુદો પડું છું. જેમાં પોતાનું હિત સમાયલું છે એવા જનકલ્યાણના કાર્યમાં રસ લેવાનું કામ ઘણુંજ સહેલું છે. વળી પ્રાચીન પુસ્તકોમાં વાંચેલી પરિસ્થિતિ પ્રમાણે ભારતનો પુનરોદ્ધાર કે પુનઃસ્થાપના કરવાની ઈચ્છા કરવી પણ સહેલીજ છે. મારો વિચાર તો એ છે કે પ્રાચીન ભારતમાં જે જે શ્રેષ્ઠ હોય તેની સાથે આધુનિક સમયમાં જે જે શ્રેષ્ઠ લાગે તેનું મિશ્રણ કરવું અને તે મિશ્રણ સ્વાભાવિક રીતેજ કરવું. ભારતમાં લાવવાની નવી વસ્તુસ્થિતિ યાને સુધારણા તેની આંતરિક વૃત્તિઓની અને આત્માની જ હોવી જોઈએ. તેથી કરીને હું માત્ર ઉપનિષદોનોજ ઉપદેશ કરું છું. તમે જુઓ છોજ