આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પ્રત્યેક પ્રસંગમાં, સંત સાધુઓનાં ચરિત્રોમાં અને આખ્યાયિકાઓમાં કંઈને કંઈ ગૂઢ હેતુ સમાઈ રહેલોજ તેમને જણાઈ રહેતો. અફસેસની વાત એ છે કે એ સાધુચરિત્રો અને આખ્યાયિકાઓને અત્યારે અસત્ય ગણવામાં આવે છે અને હિંદુઓનાં બાળકોને તે શિખવવામાં આવતાં નથી. ઉપર પ્રમાણે સ્વામીજી અનેક વિષયો ઉપર મહત્વના વિચારો દર્શાવી રહ્યા હતા. તે સઘળા વિચારો અહીં આપીએ તો એક આખું પુસ્તક ભરાય. હિંદુઓનાં ષડ્દર્શનને તે એક પછી એક હાથ ધરતા અને એક બીજા સાથે તેની તુલના કરી બતાવીને તેમની મહત્તા દેખાડતા. વળી બુદ્ધિધર્મ અને એ દર્શનોમાં શો ભેદ છે તે સમજાવતા. આમ પોતાની મુસાફરીમાં સ્વામીજી પોતાના શિષ્યોને હિંદુધર્મ, ભારતવર્ષ, પૂર્વ, પશ્ચિમ વગેરે સંબંધી અનેક બાબતોથી માહીતગાર કરી રહ્યા હતા.

આમ કરતે કરતે સ્વામીજી લંડન આવી પહોંચ્યા. અહીંઆં માત્ર બે અઠવાડીઆં રહીને સ્વામીજી અમેરિકા જવાને ઉપડી ગયા. ત્યાં વેદાન્તના અભ્યાસીઓએ તેમને પુષ્કળ માનથી વધાવી લીધા. અહિં કેટલાક સમય જુદા જુદાં સ્થળોમાં ગુજાર્યા પછી સ્વામીજીની તબીયતમાં સારો સુધારો થતાં તેઓ સેન ફ્રાન્સીસ્કો ગયા અને ત્યાં લગભગ દરરોજ ભાષણ આપવા માંડ્યાં તેમજ વર્ગો ચલાવવા માંડ્યા. સેન ફ્રાન્સીસ્કોનાં સ્વામીજીનાં ભાષણો વિષે લખતાં ત્યાંના યુનિટિ લોસ એન્જલીસ નામના પત્રે લખ્યું હતું કે:-

“સ્વામી વિવેકાનંદમાં યુનિવર્સીટિના પ્રેસીડેન્ટનું જ્ઞાન, આર્ક બીશપની ભવ્યતા અને બાળકની લાવણ્યતા, સ્વતંત્રતા તથા મિષ્ટતા એ સર્વેનો સુયોગ થયેલો છે. એક ક્ષણની પણ તૈયારી કર્યા વગર તે એકદમ પ્લેટફોર્મ ઉપર ખડા થઈ જાય છે અને ઝટ દઈને પોતાના વિષયમાં ઉંડા ઉતરી જાય છે. કોઈવાર જ્યારે તેમનું મન