આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૭
સેવાશ્રમની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી.


ઢાકામાં થોડા દિવસ રહ્યા પછી સ્વામીજી ચંદ્રનાથ, કામાખ્ય વગેરે જાત્રાનાં સ્થળોએ થઈને ત્યાંથી તે ગૌહટિ અને શિલાંગ ગયા. શિલાંગમાં આસામના ચીફ કમીશ્નર સર હેનરી કોટનના આગ્રહથી સ્વામીજીએ ત્યાંના યૂરોપિયનો અને હિંદવાસીઓની સમક્ષ એક સુંદર વ્યાખ્યાન આપ્યું.

શિલાંગથી સ્વામીજી પાછી બેલુર મઠમાં આવ્યા અને પોતાના અનુભવની વાતો સર્વેને કહેવા લાગ્યા. શિલાંગના ડુંગરોની શોભા અને બ્રહ્મપુત્રા નદીની ખીણનાં ભારે વખાણ કરવા લાગ્યા. ત્યાંના લોકોનું શારીરિક બળ અને ખંતનો ખ્યાલ તે સર્વેને આપવા લાગ્યા. એક શિષ્યે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે “નાગ મહાશયના ઘરની મુલાકાત તમે લીધી હતી ?” શ્રીરામકૃષ્ણના પરમભક્ત નાગ મહાશયનું ગામ શિલાંગ જીલ્લામાં હતું. તે સાધુપુરૂષ તો સમાધિસ્થ થઈ ગયા હતા, પણ તેમનાં પવિત્ર પત્ની હયાત હતાં.

સ્વામીજીએ ઘણાજ ઉત્સાહથી જવાબ આપ્યો કે ઢાકા સુધી જઉં અને તેમને ઘેર હું ન જઉં એવું બને કે ? તેમનું ઘર કેવું સુંદર છે ! તે કેવું એકાંતમાં છે ! ત્યાં કેવી શાંતિ વ્યાપી રહેલી છે! ખરેખર તે જાત્રાનું જ સ્થાન છે. તેમનાં પત્નીએ મને ઘણી સુંદર વસ્તુઓ બનાવીને ખૂબ આગ્રહથી જમાડ્યો. મારા તરફ મારી માતા જેવું જ તેમનું વર્તન હતું. ત્યાં તળાવમાં જમવા પહેલાં હું ખુબ તર્યો અને ન્હાયો. પછીથી માજીના હાથની રસોઈ જમીને એવો તો ઉંઘી ગયો કે બપોરે અઢી વાગ્યે જાગ્યો, મારી જીદગીમાં થોડાજ દિવસ મને ગાઢ નિદ્રા આવેલી છે; પણ તેમાં જે નાગ મહાશયને ઘેર હું ઉંઘી ગયો તેની વાત તો ઓરજ છે. ત્યાંથી નીકળતી વખત નાગ મહાશયનાં પત્નીએ મને એક કપડું આપ્યું તેને મેં આદરપૂર્વક સ્વીકારીને માથે બાંધ્યું અને હું ઢાકા જવાને નીકળ્યો.