આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૫૮ મું – બેલુર મઠમાં જીવન.

પૂર્વ બંગાળામાં ફરી આવ્યા પછી સ્વામીજીનું શરીર ઘણુંજ નાદુરસ્ત થઈ રહ્યું હતું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોનોની બહુજ આગ્રહ ભરી વિનંતિથી સ્વામીજીએ હવે બહાર ગામ જવાનું કે જાહેર ભાષણો આપવાનું છોડી દીધું અને બેલુર મઠમાંજ રહેવા લાગ્યા. તેમના ગુરૂભાઈઓ તેમનું શરીર સુધારવાના અનેક પ્રયાસ કરવા લાગ્યા; પરંતુ આવી અવસ્થામાં કોઈ કોઈવાર મઠમાંના સંન્યાસીઓના અભ્યાસ તેમજ ચર્ચા વગેરેમાં ભાગ લઈને તેમને પોતાના પરમહિતાવહ સમાગમનો લાભ આપવાનું ચૂકતા નહિ. કોઈ કોઈવાર તે એકલાજ બેઠા બેઠા ભજન ગાયા કરતા અને કોઈ શિષ્યો આવી પહોંચતા તો તેમને ભજન ગાવાનું કહેતા.

એકવાર શરદચંદ્ર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે; “આત્માની અંદર કેવી અખૂટ શક્તિ ભરેલી છે ? 'હું પામરથી શું થઈ શકે ?" એવા વિચારો કરવાથીજ આજે તમે ખરેખર પામર અને વીર્યહીન બની ગયેલા છો. ખાસ કરીને તમારેજ માટે હું આ વાત નથી કહેતો. આખી હિંદુજાતિને એ ચેપ લાગેલો છે. એકવાર દરિયાપારના દેશોમાં જાવ અને જુઓ કે ત્યાંના લોકોનો જીવનપ્રવાહ કેવા વેગથી વહી રહેલો છે. પછી તમારા દેશ તરફ નજર કરી સ્થિતિ કેવી છે તે જુઓ. આટલાં બધાં વર્ષ ભણવાની મગજમારી કરવા છતાં પણ ભિખારીની માફક તમે બીજાઓ પાસે જઈને ઉભા રહો છો અને કહે છો કે “નોકરી આપો ! નોકરી આપો !” એવા કાલાવાલા કરવા સિવાય અને નોકરી માગવા સિવાય તમો લોકોને બીજું કાંઈજ સૂઝતું નથી. બીજાઓની ઠોકરો અને જોડાં ખાઈને તમે મનુષ્યત્વ સુદ્ધાં પણ ગુમાવી બેઠા છો. વળી ખરૂં પૂછો તો તે એક પાઈ