આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લોકસેવા અને તત્વજ્ઞાન સર્વને તેમના શિક્ષણમાં પુરતું માન મળતું. અવતારવાદ શ્રીરામકૃષ્ણનો જીવનસંદેશ, સંયમ, સમાધિ, બ્રહ્મસાક્ષાત્કાર, પ્રભુકૃપા, ઇશ્વરની સર્વવ્યાપકતા, વૈદિક ઋષિઓની મહત્તા અને શ્રીરામકૃષ્ણ, હનુમાનાદિની પૂજા અને તે પૂજાથી પ્રાપ્ત થતાં સામર્થ્ય અને નિડરતા, વગેરે વિષયો એક વખત ચર્ચાતા તો બીજી વખત ભૂતદયા, મનુષ્યપ્રેમ, ભારતવર્ષમાં ગરિબોની સ્થિતિ સુધારવાના ઉપાયો, સ્ત્રી કેળવણી, ઔદ્યોગિક કેળવણી, વગેરે વ્યાવહારિક ઉન્નતિના વિચાર અને યોજનાઓ સર્વેના મનમાં ઠસાવાતી. ટુંકામાં કહીએ તો સ્વામી વિવેકાનંદના શિક્ષણમાં આખો હિંદુધર્મ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર અને ભારતવર્ષના ઉદયને લગતી અનેક બાબતો અને યોજનાઓનો સમાવેશ થતો હતો.

કોઈવાર સ્વામીજી રસોઇ ઉપર દેખરેખ રાખતા અને કોઈવાર પોતે પણ કેટલીક વસ્તુઓ કરીને સર્વેને જમાડતા. સ્વામીજી ઘણી સારી રસોઈ બનાવી જાણતા, પોતાના શિષ્યોને તે કળા શીખવતા. કોઈ કોઈવાર આધ્યાત્મિક વિચારોથી સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહેતો. આ પ્રસંગે તેમની આકૃતિ કેવી સુંદર, ભવ્ય અને મધુર દેખાતી હતી તે વાત તેમની પાસે રહેવાને જેઓ ભાગ્યશાળી થયા છે તેઓ જ જાણે છે. ઘડીકમાં સ્વામીજી ઘણા જ આનંદી જણાતા તો ઘડીકમાં આત્માપરમાત્માના કે હિંદના ગંભીર વિચાર કરતા જણાતા. એકવાર એક વિચારને દર્શાવતા તો બીજી વખતે તેનાથી વિરૂદ્ધ વિચારને પ્રતિપાદન કરીને દરેક વિષયની બંને બાજુઓ તે શિષ્યોની આગળ ખડી કરતા અને છેવટે તેનો ખરો નિર્ણય સમજાવી સમાધાન કરતા. કોઈવાર તે નિસ્પૃહી સાધુ જેવા દેખાતા તો કોઇવાર ચુસ્ત સ્વદેશભક્ત કે મોટા પંડિત જેવા માલમ પડતા. તેમનું શરીર