આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આવું કરો છો ? ત્યારે સ્વામીજી જવાબ આપતા કે "તેમાં શું થઈ ગયું. જો મકાન સાફ રહે નહિ તો રોગનું ઘર થઈ રહે અને સાધુઓ માંદા પડે." ઘણીવાર તો જાતે સાધુઓની પથારીઓ તપાસતા અને તે બરાબર સ્વચ્છ રાખેલી તેમજ હવા અજવાળાવાળી જગ્યામાં છે કે નહિ તે જોતા. કોઈની પથારી જરા અસ્વચ્છ લાગે તો સ્વામીજી તેને ઘણોજ ઠપકો દેતા. પૂજા માટેની જળ વગેરે સામગ્રી તે બરાબર સ્વચ્છ રખાવતા. મઠમાં ફક્ત એકજવાર ભોજન લેવાનો તેમણે કાયદો કર્યો હતો. તે જમ્યા પછી કોઈને સૂવા દેતા ન હોતા અને સર્વેને જાતેજ વેદ, પુરાણ વગેરેનું અધ્યયન કરાવતા. શાસ્ત્રોનો અભ્યાસ, ધામિક વાર્તાઓ, ચર્ચાઓ, ધ્યાન, યોગાદિ ક્રિયાઓમાંજ તે સર્વેનો સમય ગળાવતા. પોતે જાતે સર્વેને યોગની ક્રિયાઓ તે બતાવતા. મૂર્તિપૂજા કરવાની તે સંમતિ આપતા પણ માત્ર શુષ્ક ક્રિયાઓમાંજ ઘણો વખત ગાળી નાંખવાની બાબતમાં તે ઘણા વિરૂદ્ધ હતા. મઠમાં અમુક સમયે તે ઘંટ વગાડવામાં આવતો. અને તે વખતે શિષ્યો અને સાધુઓને શાસ્ત્રાભ્યાસ, ચર્ચા અને ધ્યાનને માટે એકઠા થવુંજ પડતું. નિયમોનું તે સખત પાલન કરાવતા. મઠમાં સવારના ચાર વાગ્યે ઘંટ થતો. સધળા સાધુઓ તે વખતે ઉઠતા અને અડધા કલાકમાં દાતણપાણી, સ્નાન વગેરે પરવારીને તે મઠના દેવળમાં ધ્યાન કરવાને ભેગા થતા. સ્વામીજી ધ્યાનને બહુજ મહત્વ આપતા. પછીથી ગીતા, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્રભાષ્ય, વગેરે ઉપર વર્ગો લેવામાં આવતા. એ સિવાય પણ અનેક પ્રકારનાં તપ અને શમ દમ સાધવાનું સ્વામીજી એમના શિષ્યોને કહેતા. તે જણાવતા કે જો તેમણે સખત તપ અને સાધનાઓ કરી ન હોત તો પોતે પણ જે મહાભારત કામ કરી શક્યા હતા તે કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યા ન હોત.

મઠમાં સર્વને ધ્યાન અને સાધનાઓ કરતા જોઈને સ્વામીજી