આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેમાંના કોઈના હૃદય ઉપર તો કોઈના મસ્તક ઉપર હાથ મૂકીને તે બોલ્યા હતા કે “ચૈતન્યને પ્રાપ્ત કરો, આત્માને જાગૃત કરો.” તેમના પવિત્ર સ્પર્શથી તે શિષ્યો અપૂર્વ આનંદને ભોગવતા ધ્યાનસ્થ બની રહ્યા હતા.

થોડા વખત પછી એ બનાવ વિષે સ્વામીજી “શિષ્યને” કહેવા લાગ્યા. આજે શું બન્યું તે તેં જોયું ને ? તેઓ સર્વે ધ્યાનગ્રસ્ત થઈ રહ્યા હતા. તેઓ સર્વે શ્રીરામકૃષ્ણના પુત્રો છે. તેમને તે કહેવામાં આવ્યું કે તરતજ બ્રહ્મ તેમનામાં જાગી રહ્યો. શિષ્યે જવાબ આપ્યો કે તેને પણ તેવો અનુભવ થયો હતો, પણ તે અનુભવ ઝાઝો વખત ટક્યો નહિ, સ્વામીજીએ ઉત્તર આપ્યો કે “ફિકર નહિ ભાઇ, તને એવો અનુભવ કાળે કરીને એની મેળેજ થશે; પણ પ્રથમ તારે બીજાઓના કલ્યાણને માટે કામ કરવું જોઇએ. માયાનો પડદો-મળ અને વિક્ષેપને દૂર કરી નાખવા માટે શુભ કર્મ કરવાં જોઇએ.”

આ વખતે મઠની આસપાસની ભૂમિ સમરાવવાનું કામ ચાલતું હતું. તેને માટે કેટલાક મજુરો ત્યાં દરરોજ આવતા અને કામ કરતા. સ્વામીજી તે મજુરો સાથે ઘણીજ છુટથી વાતો કરીને તેમને આનંદ પમાડતા. તેમનાં સુખ-દુઃખની પૂછપરછ વખતોવખત કર્યા કરતા. તેમની નિર્દોષ રીતભાતને લીધે સ્વામીજી તેમને ઘણું ચ્હાતા. એવા સાદા, ભોળા લોકો જોડે વાતો કરવાથી સ્વામીજીને પણ ઘણો આરામ મળતો. એક દિવસ કેટલાક ધનાઢ્ય અને સત્તાવાળા સદ્ગ્રહસ્થો સ્વામીજીને મળવાને મઠમાં આવ્યા હતા. તે વખતે સ્વામીજી પેલા મજુરો જોડે વાતો કરતા હતા, તેથી જ્યારે તેમને પેલા ગૃહસ્થો આવ્યાની ખબર કરવામાં આવી ત્યારે તે બોલ્યાઃ “ફલાણા-ઢીકણા ભાઈ આવ્યા છે તો ભલે આવ્યા, પણ હમણાં તો આ લોકો સાથેજ હું આનંદ કરીશ.” ખરેખર, સ્વામીજી તે પછી પોતાના વ્હાલા મજુરોને