આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ખાવા લાગ્યો. માતાએ તેને છાતી સરસો ચાંપ્યો. નરેન્દ્રના હૃદયનો ભાર ઓછો થયો અને તેણે પોતાની સઘળી વાત કહી. ભુવનેશ્વરીના મનમાં પોતાની વિરેશ્વરની આરાધનાનો વિચાર આવ્યો. મહાદેવનું સ્મરણ થયું અને તેમણે પોતાના પુત્રને “વીરેશ્વર” ના નામથી બોલાવીને સલાહ આપી : “ત્યારે તું મહાદેવની પૂજા કર !” તરતજ બાળક નરેન્દ્ર ત્યાંથી ગયો, ત્રીજે માળ પૂજાની ઓરડીમાં તેણે પ્રવેશ કર્યો. શ્રીરામ અને સીતાની મૂર્તિ જોઇને તે જરા અટક્યો, પણ પછી તરતજ તે મૂર્તિનું ગળું મરડી નાખી તેને રસ્તા ઉપર ફેંકી દીધી ! બીજે દિવસે સવારમાં શિવની મૂર્તિ ખરીદવાને તે બજારમાં ગયો. ભુવનેશ્વરીએ તેને પૈસા આપ્યા હતા. તરતજ તે મહાદેવની મૂર્તિ લઈ આવ્યો અને જે સ્થળે રામ-સીતાની મૂર્તિ બેસાડી હતી તેજ સ્થળે શિવની મૂર્તિ બેસાડી તેનું ધ્યાન ધરવા લાગ્યો.

આત્માના પ્રદેશમાં વિચરવું – એને ધ્યાન અથવા સમાધિ કહે છે. અત્યારે આપણામાં ધ્યાન, યોગ, સમાધિ એ જુના વખતની વાતો થઈ પડી છે. એ શબ્દો ઉચ્ચારતાં આપણા મગજમાં પ્રાચીન સમયના ભણકારા વાગે છે ! જે સમયમાં સાધુઓ અરણ્યમાં વસી, વૃક્ષની છાયા નીચે શીલા ઉપર બેસી અસંખ્ય શિષ્યોને તત્ત્વજ્ઞાનનો બોધ આપતા હતા, તે સમય આપણી દૃષ્ટિ આગળ ખડો થાય છે. સંસારી મનુષ્યોથી ઘણે દૂર, અરણ્યોનાં વૃક્ષોની ઘાડી ઘટામાં આર્ય ઋષિમુનિઓ ધ્યાનસ્થ થઈ, અગાધ શક્તિઓ પ્રાપ્ત કરી, પરમાત્માનું દર્શન દરવાને શક્તિમાન થતા, એ ચિતારનું આપણને ભાન થાય છે ! અને તેમની અગાધ શક્તિઓ ! મહાન પુરૂષોમાં મનની મહાન એકાગ્રતા રહેલી હોય છે. એ એકાગ્રતા વડેજ તેમનો જય ! એવી એકાગ્રતા પૂર્વક જે સાધવાનું સાધન એજ યોગ અને ધ્યાનાદિ છે એમ તેમનાં ઉદાહરણો આપણને સૂચવે છે.