આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૭
બેલુર મઠમાં જીવન.


છે તેની તેજ શક્તિ તેમનામાં પણ રહેલી છે. માત્ર તેની જાગૃતિમાંજ ફેર છે. જ્યાં સુધી આવા વર્ગોમાં ચેતન ફેલાઈ રહે નહિ ત્યાં સુધી દેશનો ઉદય થાયજ નહિ. ખાત્રી રાખજો કે શરીરનો એક અવયવ લકવાથી રહી ગયો હોય અને તેના બીજા અવયવો ગમે તેટલા સારા અને મજબુત હોય તોપણ તે શરીર કોઈપણ મોટું કાર્ય કરી શકનાર નથી.”

એક શિષ્ય બોલી ઉઠ્યો : “મહારાજ, સઘળા પંથો અને ધર્મોના માણસો વચ્ચે સહકાર્ય અને ભ્રાતૃભાવ ઉતપન્ન કરવાં એ તો ઘણું જ કઠિન કાર્ય છે.”

એ સાંભળીને સ્વામીજી ચીડાઈ ગયા અને મોટા અવાજથી કહેવા લાગ્યા કે, ખરા મનથી અને સર્વે સમય તથા શક્તિપૂર્વક એકવાર કાર્ય કરવા માંડો એટલે કઠિનતાની અને અશક્યતાની સઘળી ભ્રાંતિ દૂર થઈ જશે. કામ કર્યા જવું એજ તારી ફરજ છે અને તે બજાવવાથી કાળે કરીને બધુંજ ઠીક થઈ રહેશે.

જગતનો ઇતિહાસ વાંચ અને તને સમજાશે કે અમુક સમયે દેશમાં એકાદ મહાપુરૂષ ઉભો થયેલો છે અને તે ત્યાંના પ્રજાકિય જીવનના આદર્શનું કેન્દ્રસ્થાન બની રહે છે. એ મહાપુરૂષના ચારિત્ર અને વિચારોથી આકર્ષાઈને હજારો મનુષ્યો લોકસેવા કરવાને જીવન અર્પણ કરી રહેલા છે. તમે બધા બુદ્ધિશાળી છોકરા છો અને મારા શિષ્યો થયા છો, પણ મને કહો તો ખરા કે બીજાઓના ભલા માટે તમે શું કર્યું છે ? તમે બીજાઓને માટેજ તમારું જીવન નિષ્કામભાવે અર્પણ કરી દો અને વેદાધ્યયન અને ધ્યાનાદિ ક્રિયાઓને બીજા જન્મ માટે મુલતવી રાખો. તમારા શરીરને બીજાઓની સેવા કરતે કરતેજ પડવા દો. એમ થશે ત્યારેજ હું જાણીશ કે તમે મારી પાસે નકામા આવ્યા નથી.

જે મનુષ્યોની સેવા કરી રહ્યા છે તે પ્રભુની જ સેવા કરી