આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૫
મહાસમાધિ.


ઠીક તંદુરસ્ત અને સશક્ત દેખાતા હતા.

બહાર ફરીને આવ્યા પછી સ્વામીજી કહેવા લાગ્યા કે તેમને તેમનું શરીર ઘણુંજ હલકું લાગે છે. થોડીકવાર વાત કર્યા પછી તે પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તે ધ્યાનમાં બેઠા અને પોતાના એક શિષ્ય પાસે માળા મંગાવીને જપ કરવા લાગ્યા. લગભગ એકાદ કલાક સુધી ધ્યાન અને જપ કર્યા પછી તેઓ જમીન ઉપર પથારીમાં સુઇ ગયા અને પેલા શિષ્યને અંદર બોલાવીને પંખાવડે મસ્તક ઉપર વા નાખવાનું કહ્યું. હજી પણ તેમના હાથમાં માળા હતી. શિષ્યને લાગ્યું કે સ્વામીજી જરાક આડા થયા હશે. થોડીક વાર પછી તેમનો હાથ જરા ધ્રુજવા લાગ્યો અને લગભગ નવ વાગ્યાને સુમારે એકદમ બેવાર દીર્ઘ્ શ્વાસ લઈને ધ્યાનાવસ્થાને પ્રાપ્ત થયા. શું થયું તે પેલો શિષ્ય સમજી શક્યો નહિ. તેણે એક વૃદ્ધ ગુરૂભાઈને બોલાવ્યા અને તેમની પાછળ બીજા સંન્યાસીઓ પણ આવ્યા. સંન્યાસીઓએ તેમની નાડી તપાસી પણ તે બંધ પડી ગયેલી જણાઈ. તેઓ સમાધિમાં હશે એમ જાણીને શ્રીરામકૃષ્ણનું નામ તેમના કાન આગળ મોટેથી ઉચ્ચારવામાં આવ્યું, પણ કંઈજ જણાયું નહિ. પછીથી એક પ્રખ્યાત દાક્તરને બોલાવવામાં આવ્યા અને તેણે કૃત્રિમ રીતે શ્વાસ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કર્યો, પણ તે મિથ્યા ગયો. જીર્ણ થયેલાં વસ્ત્રને ત્યજી દેવામાં આવે તેમ સ્વામીજી હવે શરીરને ત્યજી દઈ સદાને માટે બ્રહ્મલીન થઈ ચૂક્યા હતા. આ પ્રમાણે જગતના આધ્યાત્મિક વાતાવરણમાં પોતાની શાંત પણ અતિ પ્રબળ પ્રભાને પ્રસારતો ભારતવર્ષનો આ અતિ તેજસ્વી તારો સ્થૂળભાવે હવે સદાને માટે અદૃશ્ય થઈ ગયો. એક મહા યોગી, મહા ઉપદેશક, નેતા, સ્વદેશ ભક્ત સાધુ, લેખક, વકતા અને જનસમાજના નિઃસ્વાર્થ કાર્યકર્તા, જગતમાં આવીને થોડાંજ