આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૧
ઉપસંહાર.


ગુરૂ અને ઉપદેશક તરિકે સ્વામીજીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછીજ છે. હિંદમાં તત્વજ્ઞાનના જે અનેક ઉપદેશક થયેલા છે અને જેમણે પોતાનાં નામ હિંદના ધાર્મિક ઇતિહાસમાં અમર કરેલાં છે તેમાં સ્વામી વિવેકાનંદ પણ અગત્યનું પદ મેળવી ચૂક્યા છે.

પૂજ્યપાદ ભગવાન શંકરાચાર્યનાં જગવિખ્યાત ભાષ્યોમાં બહુજ સુંદર રીતે પ્રતિપાદન થએલા આર્યતત્વજ્ઞાનના વિચારોને તેમણે આધુનિક પદ્ધતિપૂર્વક અને બહુજ બાહોશીથી સમજાવ્યા છે. વળી ભગવાન શંકરાચાર્યના વજ્ર સમા અભેદ્ય અને અગમ્ય તત્વજ્ઞાનની સાથે ભૂતદયા અને લોકસેવાનાં કાર્યોની અપૂર્વ મેળવણી તેમણે કરેલી છે. લોકસેવાનાં કાર્યોની મહત્તા તેમણે વેદાન્તદૃષ્ટિથી સમજાવી છે. આજકાલ કેટલાક સુધારકો તરફથી પશ્ચિમનું ઉ૫લકિયું અનુકરણ કરીને લોકસેવા કરવામાં આવે છે. લોકસેવાનાં ખરાં તત્ત્વો હજી તેઓ બરાબર સમજતા નથી. સ્વામીજીએ પોતાની વાણીથી, કર્મથી અને રામકૃષ્ણમિશનની સ્થાપનાથી સમાજસેવાનું ખરું રહસ્ય સારી પેઠે દર્શાવી આપ્યું છે. કલકત્તાનું પ્રસિદ્ધ બંગાળી પત્ર કહે છે “રામકૃષ્ણ મિશનના સાધુઓનું જીવન ફાધર ડેમીઅન નામના ગ્રીક સાધુના જેવું ઉત્સાહ અને ભક્તિથી પ્રેરાઈ રહેલું છે અને પોતાના આત્મભોગથી તેઓ સંન્યાસાશ્રમને અને ભારતભૂમિને ઉજ્જવલ કીર્તિ પ્રાપ્ત કરાવી રહ્યા છે.”

સ્વામીજીનો બોધ ઘણોજ વિશાળ અને સર્વસામાન્ય હતો. ઉચ્છેદકવૃત્તિ તેમાં જણાતી નહિ. સ્વામીજી કહેતા કે “જ્યાં સુધી મનુષ્ય અમુક વિચારોને સાચા દિલથી માનતો હોય ત્યાં સુધી તેની વિરૂદ્ધ એક શબ્દ પણ કહાડશો નહિ. તે મનુષ્યની માનસિક સ્થિતિને પ્રથમ ધ્યાનમાં લ્યો અને ત્યાંથીજ તેનો વિકાસ કરવા માંડો.” સ્વામીજીએ દરેક ધર્મ અને પંથનો વિશાળદૃષ્ટિથી અભ્યાસ