આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ફરતા ઉપદેશક તરિકેજ, તાપણ ત્યાં હજી સુધી તેમનું નામ વિસરાયું નથી અને ભવિષ્યમાં પણ વિસરાશે નહિ. અમેરિકામાં કેલીફોર્નીઆથી ન્યુયોર્ક સુધી અને કેનેડામાં કોઈપણ પ્રાંત એવો નહિ હોય કે જ્યાં આપણા માનવંતા સ્વામીજીનું નામ ઘણા ભાવથી નહિ લેવાતું હોય અને જ્યાં સુશિક્ષિત અને વિચારવંત સ્ત્રીપુરૂષો હજી પણ ઘણા ઉલ્લાસથી તેમનાં ભાષણો અને લેખ વાંચતાં નહિ હોય, આપણે હિંદુઓ એ જાણીને હર્ષ પામીશું કે સ્વામીજીના પ્રભાવથી પ્રોફેસર હેબર ન્યુટન, હારવર્ડ યુનિવર્સિટિના પ્રોફેસર સી. સી. એવેરેટ તેમજ ઇલા વ્હીલર વીલકૉક્સ જેવા પ્રતિષ્ઠિત અમેરિકનો વેદાન્તના અન્યાસમાં સંપૂર્ણ રસ લેવા લાગ્યા છે. ગયા વર્ષોમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં દેવળોમાં ઉપદેશ આપનારા ખ્રિસ્તી પાદરીઓમાં પણ કોઈ ભાગ્યેજ એવા થયો હશે કે જેણે સ્વામી વિવેકાનંદ વિષે પોતાના ભાષણમાં જરાક પણ ઇસારો કર્યો નહિ હોય. અનેક ખ્રિસ્તી ઉપદેશકો સ્વામીજીના બોધથી ખ્રિસ્તી ધર્મને તેના સત્યરૂપમાં સમજી શક્યા છે અને સ્વામીજીનું પ્રમાણ આપીને વેદાન્તની દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મ સમજાવતા થયા છે. અમેરિકામાં વેદાન્ત પ્રચારનું કાર્ય એટલું બધું વધી ગયેલું હતું કે બીજા દશેક સંન્યાસીઓને ત્યાં મોકલવાની માગણી ત્યાંના લોકો તરફથી કરવામાં આવી હતી. હજીપણ એ માગણી ચાલુજ છે. આજે પણ છ સાત સંન્યાસીઓ ત્યાં વેદાન્તનો પ્રચાર કરી રહેલાં છે. આ સઘળી બીના સ્વામીજીના કાર્યની મહત્તા દર્શાવી રહી છે. એ મહાપુરૂષે ભારતની પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કર્યો; તેના ઇતિહાસનું બારીક અવલોકન કર્યું, તેના ધર્મ અને અધ્યાત્મવિદ્યામાં રહેલી અપૂર્વ શક્તિને તેમણે નિહાળી અને જગતમાં ભારતવર્ષનું સ્થાન અને કાર્ય ક્યાં છે તે વિચાર્યું. જ્યારે ઘણા હિંદુઓએ હિંદનો આગલો ઇતિહાસ છેજ નહિ એમ કહેવા માંડ્યું ત્યારે