આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પહોંચેલાં છે અને જે ભૂમિ આધ્યાત્મિકતા અને આંતર્દષ્ટિનું મુખ્ય સ્થાન છે તે ભૂમિ આ ભારતવર્ષ જ છે.” ઈંગ્લાંડ તથા અમેરિકામાં તે ગયા હતા, પણ ત્યાંથી પાછા વળતી વખતે પશ્ચિમની તુલનાથી પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હજારગણો વધારીનેજ અને નહિ કે બીજાઓની પેઠે પાશ્ચાત્ય સુધારાના તેજમાં અંજાઈને કે તેના રંગે રંગાઇને તે હિંદમાં આવ્યા હતા. યુરોપના કૃત્રિમ સુધારા સામે તેમણે આપણને ચેતાવ્યા છે અને પ્રાચીન ભારતીય ગૌરવની દિવ્ય જ્યોતિ આપણા અંતરાત્મામાં પ્રગટાવી છે.

સ્વામીજીની સ્વદેશ પ્રીતિ દૃઢ અને તીવ્ર હતી. ભારતવર્ષનું નામ લેતાંજ એ સ્વદેશ ભક્ત સાધુના સુંદર અને મૃદુ ચ્હેરા ઉપર આનંદની પ્રભા છવાઇ જતી અને તેમની આંખો નવીન પ્રકાશથી પ્રકાશી રહેતી. સ્વામીજીની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વદેશ પ્રીતિ ઓતપોત થઈ રહેલી હતી અને જ્યાં સુધી એ વાતને આપણે બરાબર સમજીએ નહિ ત્યાં સુધી તેમનાં કાર્યો અને ભાષણોની ખરી અગત્યતા સમજવાને આપણે શક્તિમાન થઈએ નહિ. સાધુતા અને સ્વદેશ પ્રીતિનો જે અપૂર્વ સંયોગ તેમણે સાધ્યો હતા એવા સંયમ પૂજ્યપાદ સ્વામી દયાનંદ સરસ્વતી જેવા વિરલ અપવાદને બાદ કરતાં પહેલાં ભાગ્યેજ કોઇએ સાધ્યો હશે. એમની ઉછળતી સ્વદેશ પ્રીતિ ઉંચા પ્રકારની સાધુતામાં પરિણમતી હતી અને એમની સામાન્ય સાધુતા સ્વદેશ પ્રીતિના સાત્વિક સ્વરૂપમાં પ્રગટી રહેતી હતી. તેમને મન જનસેવા એજ પ્રભુપૂજા હતી. જનસમૂહના સુખે તે સુખી થતા અને દુઃખે દુઃખી થતા. મદ્રાસમાં આપેલા એક વ્યાખ્યાનમાં તેમણે સ્વદેશ પ્રીતિની જે વ્યાખ્યા કરી બતાવી છે તે તેમની અસામાન્ય દેશભક્તિનો ખ્યાલ આપણને આપે છે. સ્વામીજીએ કહ્યું હતું કે:―