આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આપણે પાછા એજ દૃષ્ટિએ જોતાં શિખીએ છીએ. કાષ્ટ, વૃક્ષ, ખડકાદિ પદાર્થોમાં પરોવાઈ રહેલી એક જીવંત પારમાર્થિક સત્તાને બાળક અજાણપણે નિહાળે છે. એ સર્વેની પાછળ સત્તારૂપે શું તે જીવંત પારમાર્થિક શક્તિ રહેલી નથી ? એ પૂજા પ્રકૃતિની નથી, પણ અદૃશ્યના દૃશ્ય્ ચિન્હ સ્વરૂપની છે.”

હિંદુસ્તાનના રીતરિવાજો વિષે સ્વામીજીના વિચારો ગૂઢ અર્ચથી, ભરેલા હતા. તે વિષે લખતાં નિવેદિતાએ નીચે પ્રમાણે લખેલું છે:—

“હિંદુઓના રીતરિવાજો તરફ સ્વામીજી કવિની કલ્પના અને પયગમ્બરની દૃષ્ટિથી જોતા. હિંદુ વિધવાનું ધોળું વસ્ત્ર તેમને મન પવિત્રતા અને શોકનું ચિન્હ લાગતું. સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર, શય્યા માટે કામળી કે સાદડી, ભોજન માટે થાળીને બદલે પત્ર, હાથથી ખાવું, દેશી પોશાક પહેરવો, એ સઘળી બાબતોમાં સ્વામીજી ખરેખરી ઉંડી ધાર્મિક્તાજ રહેલી જોતા. એ દરેક બાબતથી સ્વામીજીના મનમાં કોઈ છુપી આધ્યાત્મિક શક્તિ કે માનુષી પ્રેમના ભણકારા વાગી રહેતા.”

“વૈરાગ્ય અને સેવા” એજ સ્વામીજીના જીવનનો મહામંત્ર હતો. પોતાના સુખ અને સ્વાર્થનો ત્યાગ અને જનસમૂહની સેવા એજ એમનો આદર્શ હતો. હિંદના સામાન્ય વર્ગોને માટેજ સઘળું કાર્ય થવું જોઇએ. અસંખ્ય ગરિબો અને દુ:ખીઓ સહાયને માટે પોકાર કરી રહેલા છે. આપણી ફરજ આપણને કહે છે કે આપણે તેમનું દુ:ખ ટાળવાને તનતોડ મહેનત કરવી જોઇએ એમ સ્વામીજી સદાએ કહેતા. ખરા હિંદુની વ્યાખ્યા સ્વામીજીએ નીચે પ્રમાણે આપેલી છે:—

“ખરો હિંદુ તો તેજ કહેવાય કે જે સ્વદેશભૂમિની મહત્તા સમજે છે, જેણે તેની સંસ્કૃતિ, સૌંદર્ય, એકતા અને શક્તિઓનો બરાબર અભ્યાસ કરેલો છે, જે તેના કલ્યાણને માટે મથી રહેલો છે,