આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૫
ઉપસંહાર.


જે અસંખ્ય સ્વદેશીઓને પોતાનાંજ શરીરો ગણે છે, જે તેમનાજ સુખે સુખી છે અને તેમના દુઃખે દુઃખી છે, જે ભારતવર્ષમાં જન્મ લીધાથી મનમાં ગર્વ ધરે છે, જે સ્વદેશના પ્રાચીન ઇતિહાસમાં નિષ્ણાત થયેલો છે, જેને તેની વર્તમાન અને ભાવી દશામાં સંપૂર્ણ વિશ્વાસ છે, જે સત્યને માટે નિડર અને ધૈર્યવાન બની રહે છે, જે પોતાના બાપદાદાની પ્રાચીન ભાવનાઓનો બચાવ કરવાને સદાએ તત્પર છે, જેને મન તેનો દેશ તેનો પ્રભુ છે અને જે સદાએ પોતાના હૃદયમાં “હિંદ ! હિંદ ! હિંદ !” એજ જાપને જપી રહેલો છે.”

આ ઉપરથી સર્વેને સમજાશે કે સ્વામી વિવેકાનંદ એક પ્રભુ પ્રેરિત આધુનિક હિંદના સ્વદેશભક્ત સાધુ હતા. તે હિંદના અંતરાત્માનું શુદ્ધ સ્વરૂપ ભારતવાસીઓને-જગતને સમજાવી રહ્યા હતા. પ્રાચીન ભારતનો સંદેશ તે આધુનિક પ્રજાઓ આગળ ધરી રહ્યા હતા. તેમ કરવામાં તે હિંદની ભાવી દશાની રૂપરેખા આંકી રહ્યા હતા. એક દિવસ અવશ્ય એવો આવશે કે જ્યારે ભારતવર્ષ ઉદયને શિખરે પહોંચી અને આખા જગતને ધાર્મિક બનાવી મકશે. એવી એ સ્વદેશભક્તના હૃદયમાં દૃઢ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથીજ તે પોતાનું અખિલ જીવન એ કાર્યમાં સમર્પણ કરી રહ્યા હતા અને જગતની મહા પ્રજાઓમાં પ્રેમ, જ્ઞાન, શાંતિ અને પરસ્પર સ્નેહ વધારનારા દેવદૂત તરિકે વિચરી રહ્યા હતા.

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની સંનિધિમાં આધ્યાત્મિક અનુભવોને અનુભવ્યા પછી સ્વામી વિવેકાનંદ અખિલ ભારતવર્ષમાં પ્રવાસ કરવાને માટે નીકળી પડ્યા હતા, પણ તેમનો પ્રવાસ અમેરિકન કે અંગ્રેજ મુસાફર જેવો ન હતો. શ્રીમદ્ ભર્તૃહરિએ કહ્યું છે કે, शय्या भुमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजनम् એવીજ રીતે પ્રવાસ કરીને તેમણે ભારતવર્ષનાં નગર, ગામ, શેરી અને ઝુંપડાંઓમાં પ્રવેશ કરીને હિંદનું