આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જીવન નિહાળ્યું હતું, કે જે ભારતવર્ષમાં એકવાર અત્યંત સુખ-સામર્થ્ય વાસ કરી રહ્યાં હતાં ત્યાં આજે દુઃખ, દૌર્બલ્ય અને નિરાશાજ વસી રહેલાં છે. તેમને સર્વત્ર અજ્ઞાન અને દ્વેષ પ્રવર્તેલાં જણાયાં. ઠેકાણે ઠેકણે પ્લેગ, કૉલેરા, દુષ્કાળ અને જ્વરાદિ વ્યાધિઓ પ્રસરી રહેલા તેમણે જોયા. ભારતવાસીઓની આ દુર્દશા જોઈને અનેક લાગણીઓથી તેમનું હૈયું ઉભરાઈ ગયું. તેમણે ભારતવર્ષના પ્રાચીન સમય તરફ દૃષ્ટિ ફેરવી અને હિંદમાં પ્રાચીન ભાવનાઓને સજીવન કરવાની આવશ્યકતા અને શક્યતા તેમને સમજાઈ. તેમને સમજાયું કે;– “જો કે સૈકાને સૈકા સુધી થયેલા હુમલાઓથી અને ભારતવાસીઓની પોતાનીજ બેકાળજી તથા કુસંપથી તેના અનેક કીર્તિસ્તંભો, કમાનો વગેરે નષ્ટ થઈ ગયેલાં છે, પણ તેનું અંદરનું હૃદય-પાયો હજી સહીસલામત છે. જે આધ્યાત્મિક પાયા ઉપર હિંદના અદ્ભુત કીર્તિસ્તંભો પ્રભુને લેખે અને અખિલ વિશ્વપ્રત્યે પ્રેમના સ્મારકરૂપે ઉભા કરવામાં આવેલા છે, તે તો હજી પણ તેવાને તેવાજ મજબુત છે.”

ત્યારે વર્તમાન દશાનું શું? સ્વામીજીએ તેનું કારણ ખેાળી કહાડવાનો પ્રયાસ કર્યો. તેમની ખાત્રી થઈ કે બીજા ધારે છે તેમ હિંદની દુર્દશા તેના ઋષિમુનિપ્રણિત પવિત્ર અને ઉદાર ધર્મને લીધે થયેલી નથી, પણ ધર્મના ખરા સ્વરૂપને ભૂલી જવાથીજ થએલી છે. તેમણે જોયું કે આપણા પૂર્વજો કેવા પ્રભાવશાળી હતા? તેમણે રચેલાં ઉપનિષદો, મહાભારત, રામાયણ અને બીજા ગ્રંથો કેવું ભવ્ય જ્ઞાન અને સામર્થ્ય આપણને આપે છે ? કેવા ઉન્નત અને ભવ્ય આદર્શો તે આપણી આગળ ધરે છે. તેમાં કેવી અદ્ભુત કલ્પનાઓએ વાસ કરેલો છે. અન્ય દેશમાં કે બીજી ભાષામાં મળવાં દુર્લભ એવાં કેટલાં બધાં ભવ્ય ચારિત્ર્ય તે આપણી આગળ ધરે છે. આદર્શ ગૃહસ્થ-જનક રાજા, આદર્શ સ્ત્રી-પવિત્રતાની મૂર્તિ, શિયળવ્રતનું સાક્ષાત મૂર્ત